નવી દિલ્હીઃ કોવિડ-૧૯ વેક્સિન ઝાયકોવ-ડીના ભાવ અંગે કેન્દ્ર સરકાર અને ઝાયડસ કેડિલા વચ્ચે લાંબા સમયથી મંત્રણાઓ ચાલી રહી હતી. હવે સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની પોતાની વેક્સિનનો એક ડોઝનો ભાવ ઘટાડીને ૨૬૫ રૂપિયા કરવા સંમત થઇ ગઇ છે. જોકે આ અંગે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યા નથી. આ વેકિસન ૧૨ વર્ષથી વધુ ઉંમરવાળાઓને આપી શકાશે. આ અગાઉ ઝાયડસ કેડિલાએ ત્રણેય ડોઝનો કુલ ભાવ ૧૯૦૦ રૂપિયા રાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જોકે તે વખતે સરકારે કંપનીને જણાવ્યું હતું કે તે આ પ્રસ્તાવિત ભાવમાં ઘટાડો કરે. ઉલ્લેખનીય છે કે અગાઉ કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે ઝાયડસ કેડિલાની આ વેક્સિનને રાષ્ટ્રવ્યાપી એન્ટી કોરોનાવાઇરસ વેક્સિનેશન ડ્રાઇવમાં રજૂ કરવામાં આવશે. આ વેક્સિન ડીએનએ આધારિત નિડલ ફ્રી વેક્સિન છે. નિડલ ફ્રી વેક્સિન આપવા માટે ડિસ્પોઝલ પેઇનલેસ જેટ એપ્લિકેટરની જરૂર પડશે. જેના માટે ડોઝ દીઠ ૯૩ રૂપિયા અલગથી ચુકવવા પડશે. આમ વેક્સિનના એક ડોઝનો કુલ ભાવ ૩૫૮ રૂપિયા થઇ જશે. વેક્સિનના એક ડોઝના ભાવ અંગેનો અંતિમ નિર્ણય એક સપ્તાહમાં લઇ લેવામાં આવશે.