યુવા અભિનેત્રી ઝિયા ખાનના બહુચર્ચિત આત્મહત્યા કેસમાં સીબીઆઇની વિશેષ કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. લગભગ એક દાયકા જૂના આ કેસમાં કોર્ટે આરોપી સૂરજ પંચોલીને નિર્દોષ ઠરાવ્યો છે. શુક્રવારે વિશેષ સીબીઆઇ કોર્ટમાં જજ એસ. સૈયદે કહ્યું હતું કે પુરાવાઓના અભાવમાં આ કોર્ટ આરોપીને દોષી ન માની શકે, અને તેથી આરોપીને નિર્દોષ છોડવામાં આવે છે. ગત 20 એપ્રિલે સ્પેશિયલ જજ સૈયદે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઝિયાના મોત બાદ પોલીસે એક સ્યૂસાઇડ નોટ જપ્ત કરી હતી. જેમાં ઝિયાએ સૂરજ પંચોલીના ટોર્ચરીંગ અને દગાનો ઉલ્લેખ હતો. આ નોટને આધારે અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીની ધરપકડ કરવામાં આવી હતી. ઝિયા અને સૂરજ બંને રિલેશનશિપમાં હતા. સૂરજ પર ઝિયાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો.
ઝિયાની બહેને મળ્યો હતો લેટર
અભિનેત્રી ઝિયા ખાન 3 જૂન 2013ના રોજ પોતાના જુહૂ સ્થિત એપાર્ટમેન્ટમાં મૃત મળી આવી હતી. સાતમી જૂને ઝિયાની બહેનને એક લેટર મળ્યો હતો, જે ઝિયાએ લખ્યો હતો. આ પત્ર ઝિયાએ સૂરજને સંબોધીને લખ્યો હતો. 11 જૂને પોલીસે સૂરજ પંચોલીની આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાના આરોપસર ધરપકડ કરી હતી. બાદમાં પહેલી જુલાઇ 2013ના રોજ સૂરજનો જામીન પર છુટકારો થયો હતો.
માતાએ હત્યાનો આરોપ લગાવ્યો હતો
ઝિયા ખાનની માતાએ આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રીએ આત્મહત્યા નહોતી કરી બલકે તેની હત્યા કરી દેવામાં આવી છે. તેમની વિનંતી પર 2014માં આ કેસ સીબીઆઇને સોંપાયો હતો. તપાસ એજન્સીએ 2016માં પુષ્ટી કરી હતી કે ઝિયાએ ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી, તેનું મર્ડર નહોતું થયું. 2021માં ઝિયાની માતા રાબિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ન્યાય માટે રાવ કરી હતી. રાબિયા સીબીઆઇની તપાસથી સંતુષ્ટ નહોતી. રાબિયાનો દાવો હતો કે તેમની પુત્રીના શરીર પર ઇજાના નિશાન હતા જે ફાંસીના કારણે ન થઇ શકે. ચુકાદા બાદ તેમણે કહ્યું હતું કે કોર્ટે ભલે આરોપીને નિર્દોષ છોડી મૂક્યો, પણ અમે આ ચુકાદાને હાઇ કોર્ટમાં પડકારશું.