ભારતના ટોચના ઉદ્યોગસમૂહ ટાટા જૂથમાં છેલ્લા કેટલાક સમયથી અંદરખાને પ્રવર્તતા મતભેદો હવે જાહેરમાં આવી ગયા છે. ગયા ગુરુવારે ટાટા સન્સના બોર્ડ દ્વારા બે મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. પહેલો, એન. ચંદ્રશેખરનને ત્રીજી વખત 5 વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવાની મંજૂરી આપવામાં આવી. બીજો, ટાટા સન્સને શેરબજારમાં લિસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવા પર સહમતિ સધાઈ હતી.
જોકે, ટાટા સન્સમાં 66 ટકા હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટે નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો છે. ટ્રસ્ટે જણાવ્યું છે કે બોર્ડ બેઠકમાં ચંદ્રશેખરનની ફરીથી નિમણૂકની તરફેણમાં ચાર ડિરેક્ટર અને વિરોધમાં નોએલ ટાટા (રતન ટાટાના ઓરમાન ભાઈ) હતા. આમ છતાં, 4-1ની બહુમતી પૂરતી નથી, તેથી આ નિમણૂક તેને સ્વીકાર્ય નથી.
આમ હવે ટાટા સન્સના ચેરમેન પદે ચંદ્રશેખરનને (ફેબ્રુઆરી 2027 પછી) પાંચ વર્ષ માટે ત્રીજો કાર્યકાળ આપવાનો મામલો કોર્ટમાં પહોંચી શકે છે. ટાટા ટ્રસ્ટ્સ વતી કાનૂની જંગમાં ઉતરેલા વરિષ્ઠ કાનૂનવિદ્ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, વિવાદ સહમતિથી ન ઉકેલાય તે દુઃખદ છે અને હવે કાનૂની ઉકેલ જ શક્ય છે.
ઉલ્લેખનીય છે કે ટાટા સન્સના બોર્ડે 4-1થી ચંદ્રશેખરનના ત્રીજા કાર્યકાળના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જેમાં ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ વિરોધમાં, જ્યારે બીજા ટ્રસ્ટ નોમિની વેણુ શ્રીનિવાસને સમર્થનમાં વોટ આપ્યો હતો. ટાટા ટ્રસ્ટ્સનું કહેવું છે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન મુજબ બંને નોમિની ડાયરેક્ટર્સની સહમતિ જરૂરી હતી. તેથી આ પ્રસ્તાવ શરૂઆતથી જ કાનૂની રીતે અમાન્ય છે. ટાટા સન્સ તેને માન્ય ગણીને આગળ વધી રહ્યું છે.
ત્રણ કલાકની મિટીંગ, સામસામા દાવા
ટાટા સન્સના બોર્ડની ત્રણ કલાકની મીટિંગમાં બન્ને પક્ષે વોટની કાયદેસરતા અંગે સામ-સામા દાવા કર્યા હતા. એટલું જ નહીં, આ મુદ્દે કાનૂની અભિપ્રાય લેવાયો હતો. ટાટા સન્સ ખાનગી પેઢી જ રહેવી જોઈએ કે તેનું શેરબજારમાં લિસ્ટિંગ કરાવવું જોઈએ તે મુદ્દે ઘર્ષણ વધી ગયું છે. હજી ગયા મહિને 63 વર્ષીય ચંદ્રશેખરનને કહી દીધું હતું કે તેઓ ચેરમેન તરીકે વધુ પાંચ વર્ષની ટમ ઈચ્છતા નથી. તેમની ટર્મ 20 ફેબ્રુઆરી, 2027ના રોજ પૂરી થઈ રહી છે. તેમના નિર્ણય પાછળ કારણ સ્પષ્ટ હતું કે નોએલ ટાટાનો વિરોધ હતો.
ચંદ્રશેખરનની પુનઃ નિયુક્તિ શા માટે?
હવે ટાટા સન્સના બોર્ડે નિર્ણય ફેરવીને ચંદ્રશેખરનને જ ફરી એક ટર્મ માટે ચેરમેન તરીકે નિયુક્ત કરી દીધા તેનું કારણ રિઝર્વ બેન્કે ટાટા સન્સની કોર ઈન્વેસ્ટમેન્ટ કંપની તરીકે રજિસ્ટ્રેશન સરેન્ડર કરવાની અરજી ફગાવી દીધી તે હતું. તેના કારણે હવે ટાટા સન્સે નાછૂટકે લિસ્ટિંગ કરાવવું પડશે. ટાટા સન્સે નિવેદનમાં કહ્યું કે ચંદ્રશેખરનને તેમના નિર્ણય પર ફેરવિચાર કર્યો છે અને તેને પગલે તેમને ફરી 5 વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેનપદે પુનઃનિયુક્ત કરવાનો નિર્ણય બહુમતી મતદાનથી કર્યો છે. ચાર ડિરેક્ટર્સે ઠરાવનું સમર્થન કર્યું, જ્યારે ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ ઠરાવની વિરુદ્ધ મતદાન કર્યું હતું.
ગ્રૂપમાં ચંદ્રશેખરન કેમ મહત્ત્વના છે?
ચેરમેન પદે ચંદ્રશેખરનને ફરીથી લાવવાનું કારણ બિઝનેસમાં સાતત્ય છે. ગ્રૂપ પાસે ઘણા પ્રોજેક્ટ્સ અને પડકારો છે, જે નેતૃત્વ બદલાવાથી ખોરવાઈ શકે છે. જેમ કે, એર ઈન્ડિયામાં બિઝનેસ સુધારવા માટે હજુ કામ બાકી છે. જ્યારે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગ્રૂપના મોટા પ્રોજેક્ટ્સને આગળ ધપાવવાની તાતી જરૂર છે. ચંદ્રશેખરનનો કાર્યકાળ આગામી 20 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે તેઓ આગામી કાર્યકાળ નહીં લે. આ પછી ઉત્તરાધિકારી પસંદ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. પરંતુ 3 સપ્ટેમ્બરે ટાટા સન્સની નોમિનેશન કમિટીએ નિર્ણય બદલવાનો આગ્રહ કર્યો. ગુરુવારે ચંદ્રશેખરન તૈયાર થઈ ગયા.
જો મામલો કોર્ટમાં પહોંચશે તો...
જો મામલો કોર્ટમાં પહોંચશે તો ટ્રસ્ટ નોમિની ડાયરેક્ટર્સના અધિકારોની વ્યાખ્યા મહત્ત્વની બનશે. ટ્રસ્ટ્સે પૂર્વ સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડ, જ્યારે ટાટા સન્સે વરિષ્ઠ વકીલ સુદીપ્તો સરકાર અને બી.એન. શ્રીકૃષ્ણ પાસેથી અભિપ્રાય લીધો છે. તેમની વ્યાખ્યાઓ અલગ-અલગ છે. સાઈરસ મિસ્ત્રી કેસમાં ટાટા સન્સે સુપ્રીમ કોર્ટમાં આ જ આર્ટિકલ્સ હેઠળ ટ્રસ્ટ નોમિનીના વિશેષ અધિકારોનો બચાવ કર્યો હતો.
લિસ્ટિંગ થશે તો કંપનીનું મૂળભૂત ચરિત્ર નષ્ટ થઇ જશેઃ નોએલ ટાટા
ટાટા સન્સમાં 66 ટકા હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટ્સે ચંદ્રશેખરનને ફરી નિયુક્ત કરવાના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો. તેણે કહ્યું કે ટ્રસ્ટ દ્વારા નોમિનેટ કરાયેલા બન્ને ડિરેક્ટર્સનું ઠરાવને સમર્થન જરૂરી છે. નોએલ ટાટાએ ઠરાવની વિરુદ્ધ મતદાન કર્યું છે તેથી આ ઠરાવનો કોઈ મતલબ નથી.
નોએલ ટાટાની દલીલ છે કે ચંદ્રશેખરને પોતે રાજીનામું આપી દેવાનો નિર્ણય લીધો હતો, ટ્રસ્ટે રાજીનામું સ્વીકારી પણ લીધું હતું અને તેમના અનુગામીની શોધ પણ શરૂ થઈ ગઈ હતી. આ તમામ નિર્ણયો ફેરવી તોળવા માટેનો આ ઠરાવ હતો. તેમણે ચેતવણી ઉચ્ચારી કે તેમની વિરુદ્ધ કોઈ નિર્ણય જશે તો તેને કાયદેસર રીતે પડકારાશે.
નોએલ ટાટાએ કહ્યું કે ટાટા સન્સની માલિકી ચેરિટેબલ ટ્રસ્ટ્સ પાસે છે અને તેઓ તેમના બહુમતી શેરધારકો છે જેઓ ડિવિડન્ડથી થતી આવકથી હોસ્પિટલ, યુનિવર્સિટી, રિસર્ચ જેવી કામગીરીનું સમર્થન કરે છે. જો કંપનીનું લિસ્ટિંગ થશે તો તેનું આ મૂળભૂત ચરિત્ર જ નષ્ટ થઈ જશે અને પાયાનો સિદ્ધાંત જ ખતમ થઈ જશે.


