નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ટાટા જૂથના ઇલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપને રૂ. ૩૫૬ કરોડનું ડોનેશન આપ્યું હતું તેમ ભાજપે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે. ૩૧ ઓક્ટોબરના રોજ ભાજપે ચૂંટણી પંચને આપેલી માહિતી મુજબ નાણાકીય ૨૦૧૮-૧૯માં તેને ચેક અને ઓનલાઇન ડોનેશન દ્વારા કુલ રૂ. ૭૦૦ કરોડનું ડોનેશન મળ્યું છે. તે પૈકી અડધું ડોનેશન ટાટા ગ્રૂપ હેઠળના પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા અપાયું છે. ભારતના સૌથી આધુનિક ટ્રસ્ટ પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપને રૂ. ૫૪.૨૫ કરોડનું ડોનેશન આપ્યું હતું. પ્રુડેન્ટ ટ્રસ્ટને ભારતી ગ્રૂપ, હીરો મોટોકોર્પ, જ્યુબિલિયન્ટ ફૂડવર્ક્સ, ઓરિએન્ટ સિમેન્ટ, ડીએલએફ, જેકે ટાયર સહિતની કંપનીઓનું સમર્થન પ્રાપ્ત છે.
જો કે ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા મળેનલ ડોનશનનો આ રકમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આ રકમમાં ચેક અને ઓનલાઇન પેમેન્ટ દ્વારા મળેલી રકમનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રૂ. ૨૦,૦૦૦થી વધુની રકમનું ડોનેશન ફક્ત ચેક અને ઓલાઇન પેમેન્ટ દ્વારા જ સ્વીકારવામાં આવે છે. ભાજપને નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં વ્યકિતઓ, કંપનીઓ અને ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ડોનેશન પ્રાપ્ત થયું હતું તેમ ભાજપે ચૂંટણી પંચને રજૂ કરેલા દસ્તાવેજમાં જણવવામાં આવ્યું છે.