ટાર્ગેટ કિલિંગ છતાં સરકારી કર્મીઓની કાશ્મીર બહાર ટ્રાન્સફર નહીં, અમરનાથ યાત્રા પણ યથાવત્

Saturday 11th June 2022 06:33 EDT
 
 

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને હિન્દુઓના ટાર્ગેટ કિલિંગથી સ્થિતિ ખૂબ જ નાજુક છે. ટાર્ગેટ કિલિંગથી ગભરાયેલા કાશ્મીરી પંડિતો સહિત હિન્દુ સરકારી કર્મચારીઓને જમ્મુ ટ્રાન્સફરની માગ કરી છે. જોકે, કેન્દ્ર સરકારે આતંકીઓ સામે ઘૂંટણીયા નહીં ટેકવાનો નિર્ણય કર્યો છે અને તેમણે સરકારી કર્મચારીઓની કાશ્મીરની બહાર ટ્રાન્સફર કરવાનું ટાળ્યું છે. જોકે, હિન્દુ કર્મચારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સરકારે 177 કાશ્મીરી પંડિતોની શ્રીનગરમાં ટ્રાન્સફર કરી છે.
1990 કરતાં સ્થિતિ બદતરઃ પંડિતો
કાશ્મીરમાં છેલ્લા એક મહિનામાં વધેલા ટાર્ગેટ કિલિંગથી ગભરાયેલા કાશ્મીરી પંડિતોનું કહેવું છે કે ખીણ વિસ્તારમાં સ્થિતિ 1990 કરતાં પણ વધુ ખરાબ છે. કાશ્મીરી પંડિતોની ખીણ બહાર ટ્રાન્સફરની માગણી છતાં જમ્મુ-કાશ્મીર તંત્રે સ્પષ્ટ કર્યું હતું કે કર્મચારીઓની કાશ્મીરની બહાર ટ્રાન્સફર કરવામાં નહીં આવે, પરંતુ તેમને સલામત સ્થળે ખસેડાશે. આ સંદર્ભમાં શનિવારે વિવિધ વિસ્તારોમાં નિયુક્ત 177 કાશ્મીરી પંડિત શિક્ષકોની શ્રીનગરમાં જિલ્લા મુખ્યાલયમાં ટ્રાન્સફર કરાઈ હતી.
આ સાથે સરકારે કાશ્મીરમાં હિન્દુ કોલોનીઓ, રહેણાંક વિસ્તારો અને ઓફિસોમાં સલામતી વ્યવસ્થા વધુ આકરી બનાવી છે. વધુમાં કેન્દ્ર સરકારે 30મી જૂનથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રાના કાર્યક્રમમાં પણ કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં હિન્દુઓ કાશ્મીરની યાત્રાએ આવે છે. વર્તમાન સમયમાં સરકાર માટે તેમની સલામતી મોટો પડકાર બની રહેશે.
આતંકીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગની ઘટનાને પગલે ગૃહ મંત્રાલયે શુક્રવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે કાશ્મીરી પંડિતો અને પ્રવાસી હિન્દુ મજૂરોને વધુ સલામતી પૂરી પાડવા નિર્ણય કર્યો હતો. આમ છતાં આતંકીઓએ હિન્દુઓ પર હુમલો ચાલુ રાખ્યા હતા.
અમે ઘરમાં કેદઃ કાશ્મીરી પંડિતો
કાશ્મીરી પંડિતોએ ફરિયાદ કરી છે કે અમને ઘરમાંથી બહાર નીકળવા દેવાતા નથી. સરકાર સામૂહિક હિજરત રોકવા માગે છે. અમને દેખાવો અને વિરોધ પ્રદર્શન કરતા રોકવામાં આવે છે.અન્ય જિલ્લામાં પણ લોકોને ટ્રાન્ઝિટ કેમ્પની બહાર નીકળવા દેવામાં આવતા નથી. પોલીસને ગુપ્ત બાતમી મળી છે કે કાશ્મીરી પંડિતોને ટાર્ગેટ બનાવવા આતંકીઓ દ્વારા હુમલા કરવા ષડ્યંત્ર રચાયું છે આથી આ પગલું લેવાયું છે.
૧૦૦થી વધુ પરિવારોની સામૂહિક હિજરત
કાશ્મીરનાં જુદા જુદા જિલ્લામાંથી 100થી વધુ પરિવારોએ સામૂહિક હિજરત કરી છે. કેટલાક શિક્ષકો અને સરકારી કર્મચારીઓના પરિવારનો આમાં સમાવેશ થાય છે. કાશ્મીર ખીણમા કુલગામ, બાંદોપોરા, અનંતનાગ, બારામુલા, શોપિયાં તેમજ અન્ય જિલ્લામાં હજારો શિક્ષકો નોકરી કરે છે. લોકોમાં ભયનો માહોલ છવાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter