ટીકાકારો રઘવાયા થયા છેઃ ધ કાશ્મીર ફાઇલ્સ મુદ્દે વડા પ્રધાન મોદી

Thursday 17th March 2022 06:33 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ પર પ્રતિક્રિયા આપી છે. ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં વડા પ્રધાને કરેલા સંબોધનમાં મંગળવારે ફિલ્મને લઈને વિસ્તારથી વાત કરી હતી. વડા પ્રધાને તેમના સંબોધનમાં કહ્યું, ‘આપણા દેશનું દુર્ભાગ્ય છે કે ઇતિહાસને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમાજની સામે યોગ્ય સમયે મૂકવામાં આવ્યો નથી, જેમાં પુસ્તકોનું મહત્ત્વ હોય છે, કવિતાઓનું મહત્ત્વ હોય છે, સાહિત્યનું મહત્ત્વ હોય છે અને એ જ રીતે ફિલ્મજગતનું પણ મહત્ત્વ હોય છે. આખી દુનિયા માર્ટિન લ્યુથરની વાત કરે છે, નેલ્સન મંડેલાની વાત કરે છે, પરંતુ દુનિયા મહાત્મા ગાંધીની ચર્ચા બહુ ઓછી કરે છે.’

નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘જો એ સમયે કોઈએ હિંમત કરીને મહાત્મા ગાંધીના આખા જીવન પર એક ફિલ્મ બનાવી હોત અને એ દુનિયા સામે રાખી હોત તો કદાચ આપણે સંદેશ આપી શકત. પહેલી વાર એક વિદેશીએ જ્યારે મહાત્મા ગાંધી પર ફિલ્મ બનાવી અને પુરસ્કાર મળ્યો તો દુનિયાને ખબર પડી કે મહાત્મા ગાંધી કેટલા મહાન હતા.’
મોદીએ લોકો પર વ્યંગ કરતાં કહ્યું કે ‘ઘણા લોકો ફ્રિડમ ઓફ એક્સપ્રેશનની વાત તો કરે છે, પરંતુ તમે જોયું હશે કે ઇમર્જન્સી પર કોઈ ફિલ્મ ન બનાવી શક્યું, કેમ કે સત્યને સતત દબાવવાનો પ્રયાસ થતો રહ્યો છે. ભારતવિભાજન, જ્યારે 14 ઓગસ્ટને એક હોરર દિવસના રૂપમાં યાદ કરવા માટે નક્કી કર્યું તો ઘણા લોકોને વાંધો હતો. આખરે દેશ આ બધું કેવી રીતે ભૂલી શકે, તેનાથી પણ શીખવા મળે છે.’ નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ભારત વિભાજનની વાસ્તવિકતા પર શું ક્યારેય કોઈ ફિલ્મ બની... આથી તમે જોયું હશે કે આજકાલ જે નવી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ આવી છે, તેની ચર્ચા ચાલી રહી છે. અને જે લોકો હંમેશાં ફ્રિડમ ઓફ એક્સપ્રેશનના ઝંડા લઈને ફરતા હતા, તે રઘવાઈ ગયા છે. છેલ્લા પાંચ-છ દિવસથી આ ફિલ્મનાં તથ્યો અને અન્ય ચીજોને આધારે વિવેચના કરવાને બદલે તેની સામે અભિયાન છેડ્યું છે.’
મોદીએ કહ્યું કે ‘ફિલ્મ મારો વિષય નથી, મારો વિષય છે કે જે સત્ય છે એને યોગ્ય સ્વરૂપમાં દેશની સામે લાવવું એ દેશની ભલાઈ માટે હોય છે. તેનાં અનેક પાસાં હોઈ શકે છે. જો તમને આ ફિલ્મ સારી ન લાગે તો તમે બીજી ફિલ્મ બનાવો. કોણ ના પાડે છે, પરંતુ તેમને પરેશાની થઈ રહી છે કે જે સત્યને આટલાં વર્ષો સુધી દબાવીને રાખ્યું, એને તથ્યોના આધારે બહાર લવાઈ રહ્યું છે, તો તેની સામે પૂરી કોશિશ લગાવાઈ રહી છે. આવા સમયે જે સત્ય માટે જીવનારા લોકો છે, તેમના માટે સત્યની ખાતર ઊભા રહેવાની જવાબદારી હોય છે અને હું આશા રાખું છું કે આ જવાબદારી બધા લોકો નિભાવશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter