નવી દિલ્હીઃ ગ્રેટા થનબર્ગ ટૂલકીટ કેસમાં બેંગ્લૂરુની ૨૧ વર્ષીય ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કર્યા બાદ સોમવારે દિલ્હી પોલીસે બોમ્બે હાઇ કોર્ટના વકીલ નિકિતા જેકબ અને એક્ટિવિસ્ટ શાંતનુ વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ હાંસલ કર્યાં છે. પોલીસનો દાવો છે કે આ કેસનું પગેરું ખાલિસ્તાની ચળવળ સાથે સંકળાયેલા લોકો સુધી પહોંચે છે.
દિલ્હી પોલીસે સોમવારે આ ત્રિપુટી પર ગંભીર આરોપ મૂકતાં જણાવ્યું હતું કે, નવી દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતો દ્વારા ૨૬મી જાન્યુઆરીના રોજ આચરાયેલી હિંસાનો ઇરાદો ભારત પર ડિજિટલ સ્ટ્રાઇક કરવા અને ભારતની પ્રતિષ્ઠા ખરડવા માટે ટૂલકિટનો પ્રસાર કરવાનો હતો. દિશા રવિ, નિકિતા જેકબ, શાંતનુ અને કેનેડા સ્થિત ખાલિસ્તાન તરફી એક્ટિવિસ્ટ એમ. ધાલીવાલે ૨૬મી જાન્યુઆરીના રોજ ક્યારે શું કરવું તે નક્કી કરવા માટે પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન (પીજેએફ) દ્વારા આયોજિત ઝૂમ મિટિંગમાં ભાગ લીધો હતો. તેમનો ઇરાદો ભારતવિરોધી દુષ્પ્રચારનો હતો.
ભારત સામે અસંતોષ સર્જવાનું ષડયંત્ર
પોલીસના જણાવ્યા પ્રમાણે, આ મિટિંગમાં ૨૬મી જાન્યુઆરીની અંધાધૂંધીમાં થયેલા ખેડૂતના મોતની પણ ચર્ચા કરાઇ હતી. ચોથી જાન્યુઆરીના રોજ અમારું ધ્યાન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાતી ટૂલકિટ પર ગયું હતું. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, પીજેએફ અને તેના દ્વારા સંકળાયેલા લોકો દ્વારા આ ટૂલકિટ તૈયાર કરાઇ હતી. ૨૬મી જાન્યુઆરીએ જે કાંઇ થયું તે ટૂલકિટમાં જણાવ્યા પ્રમાણે થયું હતું.
પોલીસે જણાવ્યું હતું કે, ભારત સામે અસંતોષ ઊભો કરવા અને ટ્વિટર સ્ટોર્મ સર્જવા માટે ખાલિસ્તાની સંગઠનો દ્વારા ટૂલકિટ બનાવાઇ હતી. ટૂલકિટ તૈયાર કરવામાં દિશા રવિ, નિકિતા જેકબ, શાંતનુ અને પુનિત નામની કેનેડાસ્થિત મહિલાનો હાથ છે.
દરમિયાન પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરાયેલા નિકિતા જેકબે બોમ્બે હાઇ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે.
દિલ્હી પોલીસના આરોપ
• નિકિતા જેકબના ઘરમાંથી ઉશ્કેરણીજનક દસ્તાવેજો મળી આવ્યા • ટૂલકિટમાં અપાયેલું ઇ-મેલ એડ્રેસ શાંતનુનું, બાકીના આરોપીઓ ઔટૂલકિટના એડિટર • શાંતનુ અને નિકિતા જેકોેબે ટૂલકિટ એડિટ કરી હતી • દિશા રવિએ ગ્રેટા થનબર્ગને ટેલિગ્રામ પર ટૂલકિટ શેર કરી હતી • દિશા રવિએ ટૂલકિટના પ્રસાર માટે રચાયેલું વોટ્સએપ ગ્રૂપ ડિલીટ કર્યું હતું • ટૂલકિટ સાથે સંકળાયેલા અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ડિલીટ કરી દેવાયાં હતાં
શું છે કથિત ટૂલકિટ?
સોશિયલ મીડિયામાં ફરતી ટૂલકિટમાં બે ઇ-મેલ આઇડી, એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને યુઆરએલનો સમાવેશ થાય છે. પોલીસે તેની વિગતો સંબંધિત પ્લેટફોર્મ પાસે માગી છે. આ ટૂલકિટ ખેડૂતોના આંદોલનને ભડકાવવા વિદેશોમાંથી સુનિયોજિત રીતે ઘડાયેલા કાવતરાનો પર્દાફાશ કરી રહી છે.
ટૂલકિટ કેસના મુખ્ય આરોપીઓ
(૧) દિશા રવિ – બેંગ્લોર સ્થિત ક્લાઇમેટ એક્ટિવિસ્ટ (૨) નિકિતા જોસેફ – મુંબઇ સ્થિત બોમ્બે હાઇ કોર્ટના વકીલ (૩) શાંતનુ – એનજીઓનું સંચાલન કરતો ઇજનેર (૪) મો ધાલીવાલ – કેનેડા સ્થિત પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશનનો સભ્ય
દિશા સરકારી હિંસાનો સામનો કરે છે: બ્રિટિશ સાંસદ
બ્રિટિશ સાંસદ ક્લાઉડિયા વેબ્બીએ જણાવ્યું હતું કે, દિશા રવિ ખેડૂતોને શાંતિપૂર્ણ સમર્થન આપવા માટે સરકારી હિંસાનો સામનો કરી રહી છે. મૌન જાળવી રાખવું એ કોઇ વિકલ્પ નથી, અવાજને કચડી નાખવાની પ્રવૃત્તિને આપણે એકસાથે મળીને વખોડવી પડશે.
એક્ટિવિસ્ટોને ચૂપ કરાવવાનો પ્રયાસઃ હેરિસ
અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના ભત્રીજી મીના હેરિસે જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલનને સમર્થન કેવી રીતે આપવું તે અંગેની ટૂલકિટ પોસ્ટ કરવા માટે ભારતની પોલીસે વધુ એક યુવતીની ધરપકડ કરી છે. અત્યાર સુધી ચાલેલા ઘટનાક્રમને જોઇને સવાલ થાય છે કે ભારત સરકાર એક્ટિવિસ્ટોને ચૂપ કરાવી લક્ષ્યાંક બનાવવાના પ્રયાસ શા માટે કરી રહી છે?


