નવી દિલ્હીઃ ટ્રાન્સપોર્ટ અને ટ્રાન્ઝિટ હબ્સના કરાયેલા એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે ટ્રક ચાલકો અને માલિકો ટ્રાફિક અને હાઇવે પોલીસને દર વર્ષે રૂ. ૪૮,૦૦૦ કરોડ જેટલી જંગી લાંચ આપે છે. નહીં નફો કે નહીં નુકસાનને ધોરણે ચાલતા સેવ લાઇફ ફાઉન્ડેશન દ્વારા ૧૦ મેજર હબ્સમાં કરાયેલા સ્ટડીમાં દાવો કરાયો હતો કે લગભગ ૮૨ ટકા ટ્રક ચાલકો અને માલિકોએ તેમની છેલ્લી ટ્રિપ દરમિયાન ટ્રાફિક અને હાઇવે પોલીસને લાંચ આપી હતી. દરેક ટ્રિપ માટે વિવિધ અધિકારીઓને ચૂકવાયેલી લાંચ સરેરાશ રૂ. ૧,૨૫૭ હતી. ૧,૨૧૭ ટ્રક ડ્રાઇવર્સ અને ૧૧૦ ટ્રક માલિકોના ઇન્ટરવ્યુને આધારે આ લાંચની આવી ચોંકાવનારી રકમનો ખુલાસો થયો છે.