લખનઉઃ ટ્રિપલ તલાક પર પુરા દેશમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં બિફ બેન અને કતલખાના બંધ કરવા અંગે પણ સરકાર વિચારણા કરી રહી છે. આવી સ્થિતિમાં હવે ટ્રિપલ તલાકને રદ કરવાનું સમર્થન કેટલાક મુસ્લિમો પણ કરી રહ્યા છે. પાંચમીએ ઓલ ઇન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડે લખનઉમાં ટ્રિપલ તલાક પર પ્રતિબંધને સમર્થન આપ્યું હતું. સાથે મહિલાઓના અધિકાર માટે એક અલગથી કમિટી પણ બનાવવાની માગણી શિયા મુસ્લિમો દ્વારા કરવામાં આવી છે.
એટલું જ નહીં શિયા પર્સનલ લો બોર્ડે ગૌહત્યા પર પ્રતિબંધને પણ સમર્થન આપ્યું હતું. શિયા મુસ્લિમોના આ બોર્ડે ઇરાક અને શિયાઓના સર્વોચ્ચ ધર્મગુરુઓનો હવાલો આપતા જણાવ્યું હતું કે ગૌહત્યા કોમવાદનું કારણ હોય તો તેના પર પ્રતિબંધ લાદવામાં કંઇ જ ખોટું નથી. જોકે બીજી તરફ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ટ્રિપલ તલાક મુદ્દે કાયદો ઘડવાના વિરોધમાં છે.
નોંધનીય છે કે સુન્ની મુસ્લિમ ધર્મગુરુ અને અજમેર શરીફ દરગાહના દિવાન અબેદીને પણ ટ્રિપલ તલાકનો વિરોધ કર્યો હતો. જેને પગલે હવે દેશના મુસ્લિમ નેતાઓ અને ધર્મગુરુઓ તેમજ સંગઠનો વચ્ચે આ મુદ્દે ભારે ચર્ચા છેડાઇ છે.