નવી દિલ્હીઃ ટ્રિપલ તલાક મુદ્દે ચાલી રહેલી રોજિંદી સુનાવણીના ત્રીજા દિવસે ૧૫મી મેએ કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, કોર્ટ ટ્રિપલ તલાકના કાયદાને રદ કરી દે તો કેન્દ્ર સરકાર મુસ્લિમ વિવાહ અને તલાક મુદ્દે નવા કાયદા લાવવા તૈયાર છે. તે માટે સંસદમાં ખરડો પસાર કરીને નવા કાયદા અમલમાં મૂકી શકાય. વર્તમાન કાયદાને કારણે સ્ત્રીઓની સ્વતંત્રતા અને અધિકારોનું હનન થઈ રહ્યું છે. તેમણે વધુ જણાવ્યું કે, તલાક મુદ્દે મુસ્લિમ મહિલાઓને સમાજમાં અને સમુદાયમાં સમાંતર દરજ્જો આપવો જોઈએ.