ટ્રિપલ તલાકની અરજીઓની સુનાવણી માટે બંધારણીય બેન્ચની રચના થશે

Friday 17th February 2017 06:52 EST
 
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ ટ્રિપલ તલાકની પરંપરા, નિકાહ હલાલ તેમજ મુસ્લિમોમાં પ્રવર્તી રહેલાં બહુપત્નીત્વનાં વલણને મુદ્દે થયેલી અરજીઓની સુનાવણી માટે પાંચ ન્યાયાધીશોની બનેલી બંધારણીય બેન્ચની રચના કરશે. મુખ્ય ન્યાયમૂર્તિ જે. એસ. ખેહરનાં વડપણ હેઠળ બનેલી બેન્ચે પક્ષકારો તરફથી રજૂ થયેલા પ્રશ્નોના ત્રણ સેટ રેકર્ડ પર લેતાં જણાવ્યું હતું કે, ૩૦ માર્ચના રોજ બંધારણીય બેન્ચ રચવાનો મુદ્દો હાથ પર લેવાશે. કેન્દ્ર દ્વારા ઊભા કરવામાં આવેલા કાનૂની મુદ્દા તે બંધારણીય મુદ્દા હોવાથી કેસની સુનાવણી મોટી બેન્ચને સોંપવામાં આવશે.

કાનૂની પાસાંને મહત્ત્વ

બેન્ચે એ મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે કોર્ટ કોઇ એક કેસના વાસ્તવલક્ષી પાસાંમાં નહીં ઊતરે, પરંતુ પ્રશ્ન સાથે સંકળાયેલા કાનૂની મુદ્દામાં ઊતરશે. સુપ્રીમે સ્પષ્ટતા કરી હતી કે, મુસ્લિમો દ્વારા લેવાતા છૂટાછેડાનું કોર્ટ દ્વારા સુપરવિઝન થવું જોઇએ જેવા મુદ્દાને ધ્યાને લેશે નહીં, કારણ કે તે વૈધાનિક મર્યાદાનો પ્રશ્ન છે.

કેન્દ્રની કાનૂની સમીક્ષાની તરફેણ

કેન્દ્ર સરકાર કોર્ટ સમક્ષ અગાઉ પણ ટ્રિપલ તલાક, નિકાહ હલાલ કે મુસ્લિમોમાં પ્રવર્તી રહેલાં બહુપત્નીત્વનાં વલણ સામે વિરોધ જાહેર કરી ચૂકી છે. જાતીય સમાનતા અને બિનસાંપ્રદાયિક ધોરણે આ તમામ મુદ્દે કાનૂની સમીક્ષા થાય તેમ કેન્દ્ર સરકાર ઇચ્છી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter