ટ્રિપલ તલાકને અપરાધ ગણીને ૩ વર્ષની કેદ અને દંડના વટહુકમે સરકારી મંજૂરી

Thursday 20th September 2018 08:42 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ૧૯મીએ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ટ્રિપલ તલાકને ૩ વર્ષ જેલની સજાલાયક અપરાધ ગણાવતા વટહુકમને મંજૂરી આપવામાં આવી હતી. સંસદનાં ચોમાસું સત્રમાં અન્ય રાજકીય પાર્ટીઓ સાથે સર્વસંમતિ ન સધાતાં ટ્રિપલ તલાક અથવા તો મુસ્લિમ મહિલા લગ્નઅધિકાર સંરક્ષણ ખરડો, ૨૦૧૭ રાજ્યસભામાં પસાર થઈ શક્યો નહોતો, જેને પગલે સરકાર દ્વારા વટહુકમનાં માધ્યમથી આ ખરડાને કાયદાનું સ્વરૂપ આપી દેવાયું છે.

કેબિનેટની બેઠક બાદ પત્રકારોને સંબોધન કરતાં કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, આ વટહુકમને તાકીદે મંજૂરી આપવી જરૂરી હતી. ટ્રિપલ તલાકના મુદ્દાને આસ્થા, પ્રાર્થનાના પ્રકાર અથવા ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. આ મહિલાઓને ન્યાય, મહિલાઓનાં ગૌરવ અને મહિલાઓને સમાન દરજ્જાનો મામલો છે.

કોંગ્રેસ પર આરોપ મૂકતાં પ્રસાદે જણાવ્યું હતું કે, મેં આ ખરડો પસાર કરાવવા રાજ્યસભાના કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદને પાંચ વાર અપીલ કરી હતી, પરંતુ તેમણે વાત ટાળી દીધી હતી, પછી કોંગ્રેસે જણાવ્યું કે આ મામલે અન્ય પાર્ટીઓનું મંતવ્ય લેવામાં આવે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી મહિલા હોવા છતાં મહિલાઓ પર ટ્રિપલ તલાકનું દમન ચાલતું રહ્યું પણ તેઓ ચૂપ રહ્યાં હતાં. સોનિયા ગાંધી મહિલા હોવા છતાં મતબેન્કની રાજનીતિને કારણે સંસદમાં ખરડો પસાર થવા દેવાયો નહીં. ઘણા મુસ્લિમ દેશોમાં ટ્રિપલ તલાક પર પ્રતિબંધ છે પરંતુ ભારત બિનસાંપ્રદાયિક દેશ હોવા છતાં તેના પર રોક લગાવી શકતો નહોતો. કોંગ્રેસનાં મતબેન્કનાં રાજકારણને કારણે આ પ્રકારનાં જંગલિયાતભર્યા, અમાનવીય ટ્રિપલ તલાકના અભિશાપનો સંસદીય કાયદા દ્વારા અંત લાવી શકાયો નહોતો.

ટ્રિપલ તલાકના આંકડા ૨૦૧

સરકારે વટહુકમની જાણકારીની સાથે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા પછી ટ્રિપલ તલાક આપવાના આંકડા જારી કર્યા છે. પ્રસાદે જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૨૦૧૭થી ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી ટ્રિપલ તલાકના ૪૩૦ મામલા સામે આવ્યા છે, જેમાંથી ૨૨૯ સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલાં અને ૨૦૧ ચુકાદા બાદના છે. ટ્રિપલ તલાકના સૌથી વધુ મામલા ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે. સુપ્રીમના ચુકાદા પછી યુપીમાં ટ્રિપલ તલાક આપવાના ૧૨૦ કેસ સામે આવ્યા હતા.

ટ્રિપલ તલાકના મામલે ભાજપની રાજનીતિ: કોંગ્રેસ

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યુ હતું કે, મોદી સરકાર મુસ્લિમ મહિલાઓને હક અપાવવાની પક્ષધર નથી. અમે ઇચ્છીએ છીએ કે મુસ્લિમ મહિલાઓને ન્યાય મળે પરંતુ ભાજપ ટ્રિપલ તલાકના મામલે રાજનીતિ કરી રહ્યો છે.

૧. કેસ

મહિલા પોતે અથવા તેની લોહીની સગાઈમાં આવતાં પરિવારજનો ફરિયાદ કરશે ત્યારે જ કેસ દાખલ થઈ શકશે. પાડોશી કે કોઈ અજાણી વ્યક્તિ કેસ દાખલ કરાવી શકશે નહીં.

૨. સમાધાન

જો મહિલા મેજિસ્ટ્રેટ પાસે પહોંચીને સમાધાનનો પ્રસ્તાવ મૂકે અને પતિ-પત્ની સમાધાન માટે સંમત થાય તો જ આ પ્રકારના કેસમાં મેજિસ્ટ્રેટ દ્વારા મુકાયેલી ઉચિત શરતો પર સમાધાન થઈ શકશે.

૩. જામીન

મેજિસ્ટ્રેટ પત્નીનો પક્ષ સાંભળ્યા પછી જ વ્યાજબી આધારો પર પતિને જામીન પર મુક્ત કરી શકશે. આ પતિ-પત્ની વચ્ચેનો અંગત મામલો છે. પત્નીએ અપીલ કરી હોવાથી કોર્ટે પત્નીની રજૂઆતો સાંભળવી પડશે.

૪. ભરણપોષણ

બાળકની કસ્ટડી પત્નીને આપવામાં આવશે અને પતિએ પત્ની અને બાળકો માટે મેજિસ્ટ્રેટ દ્વારા નક્કી કરાયેલ ભરણપોષણ ચૂકવવું પડશે.

૫. સજા

ટ્રિપલ તલાક સજાપાત્ર અપરાધ છે. કોર્ટમાં અપરાધ સાબિત થયે પતિને ૩ વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter