આતંકી દીકરાનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા પિતા

Thursday 09th March 2017 02:06 EST
 
 

લખનઉઃ ઠાકુરગંજમાં સાતમીએ આતંકવાદી હુમલો થયો હતો. નવાઈની વાત એ છે કે પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર મારેલા શંકાસ્પદ આતંકવાદી સૈફુલ્લાહના પિતાએ દીકરાનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. સૈફુલ્લાહના પિતાએ તેને દેશદ્રોહી ગણાવીને કહ્યું હતું કે, તે એક દેશદ્રોહીનો મૃતદેહ નહીં સ્વીકારે. બીજી તરફ સૈફુલ્લાહનાં નજીકનાં સંબંધીઓ પણ સૈફુલ્લાહની હકીકત જાણીને આશ્ચર્ય પામ્યા છે. જોકે ધરપકડ કરાયેલા અન્ય ત્રણ શંકાસ્પદ  આતંકવાદીઓના પિતાઓએ તેમના પુત્રોને નિર્દોષ ઠેરવ્યા છે.

સૈફુલ્લાહના પિતા સરતાજે આઠમીએ અંતિમ સંસ્કાર કરવા માટે પોતાના પુત્રનો મૃતદેહ લેવાનો સાફ ઇનકાર કરતાં કહ્યું હતું કે ‘સૈફુલ્લાહે દેશહિતનું કામ નથી કર્યું. હું તેનાથી ખૂબ નારાજ છું અને આવા દેશદ્રોહીનો મૃતદેહ અમે નહીં સ્વીકારીએ. અમુક મહિનાઓ પૂર્વે જ્યારે કોઈ કામ ન કરવા માટે મેં તેની મારપીટ કરી હતી તો તે ઘર છોડીને ભાગી ગયો હતો. તેણે છઠ્ઠીએ ફોન કરીને જણાવ્યું હતું કે હું સાઉદી અરેબિયા જઈ રહ્યો છું. 
સૈફુલ્લાહ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હોવા છતાં તેનાં સંબંધીઓને અત્યાર સુધી ખાતરી નથી થતી કે તે આતંકવાદી હોઈ શકે. એક સંબંધીએ કહ્યું હતું કે, લગભગ દરેક સગા સંબંધીઓ અચંબામાં છે. તેનો દરેક સાથે વ્યવહાર સારો હતો. તે પાંચ વખત નમાજ પઢતો હતો. અમે તેના વિશે આવું ક્યારેય વિચાર્યું નહોતું.
બીજી તરફ મધ્ય પ્રદેશ અને કાનપુરમાંથી ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકવાદી દાનિશ, ઇમરાન, અને ફૈઝલના વાલીઓએ તેમનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ આરોપ ખોટો છે. ફૈઝલ દુકાન ચલાવે છે. ઇમરાન પરિણીત છે અને એક પુત્રીનો પિતા પણ છે. દાનિશના પિતાએ કહ્યું કે હું દાનિશને કામ ન કરવા માટે વઢ્યો હતો. ત્યાર બાદ તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો, પણ એ આતંકી ન બને.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter