ડિજિટલ રૂપિયો આવશે

Wednesday 02nd February 2022 04:26 EST
 
 

નવી દિલ્હી: મોદી સરકાર ૨.૦નું ચોથુ બજેટ રજૂ કરતા કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારામને વર્ષ ૨૦૨૨-૨૩માં દેશમાં સત્તાવાર ડિજિટલ કરન્સી એટલે કે ડિજિટલ રૂપિયો જારી કરવાની જાહેરાત કરી હતી. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બ્લોક ચેઇન અને અન્ય ટેકનોલોજીની મદદથી ડિજિટલ રૂપિયો જારી કરાશે. સંભવિત ડિજિટલ રૂપિયો વિશ્વની પ્રથમ સત્તાવાર ડિજિટલ કરન્સી બની રહેશે. પોતાના બજેટ સંબોધનમાં નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, ડિજિટલ કરન્સી વધુ અસરકારક અને સસ્તી કરન્સી મેનેજમેન્ટ સિસ્ટમ ઉપલબ્ધ કરાવશે. એવું નથી કે ભારત એકલો જ એવો દેશ નથી જે ડિજિટલ લિગલ ટેન્ડર પર પ્રયોગ કરી રહ્યો છે. અમેરિકામાં ડિજિટલ ડોલર, ચીનમાં ઇ-યુઆન અને યુરોપમાં ડિજિટલ યૂરો પર કામ ચાલી રહ્યું છે. 

બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીમાં યૂઝર પોતાની ઓળખ છૂપાવી શકે છે જ્યારે ભારતની સત્તાવાર ડિજિટલ કરન્સીને આરબીઆઇનું સત્તાવાર સમર્થન રહેશે. તેનો અર્થ એ થયો કે ડિજિટલ રૂપિયો તમામ ટ્રાન્ઝેક્શન માટે રૂપિયાના ચલણ જેટલો જ વ્યવહારૂ રહેશે. તેનું મૂલ્ય પણ એક રૂપિયા જેટલું જ રહેશે. વિવિધ દેશોની મધ્યસ્થ બેન્કોનું માનવું છે કે ચલણી નોટો છાપવાના ખર્ચ કરતાં ડિજિટલ કરન્સી જારી કરવી અત્યંત સસ્તી પડશે. આરબીઆઇનું માનવું છે કે ઇલેક્ટ્રોનિકલી જારી કરાતી ડિજિટલ કરન્સીની કોસ્ટ ઝીરો આવશે. ડિજિટલ કરન્સી લાગુ કરવાથી ફિઝિકલ કેશનો ઉપયોગ ઘટાડી શકાશે. ડિજિટલ કરન્સીને સહેલાઇથી ટ્રેક કરી શકાશે.
શું છે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી...
સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી આપણા વોલેટમાં રહેલી રોકડ જેવી જ હોય છે. ફક્ત તે ડિજિટલ સ્વરૂપે રહે છે. વ્યક્તિ તેના ડિજિટલ વોલેટમાં ડિજિટલ કરન્સી રાખી શકે છે અને તેના વોલેટનું સુપરવિઝન આરબીઆઇ દ્વારા કરાશે. જોકે ડિજિટલ રૂપિયો આવવાથી રોકડ રૂપિયાનું ચલણ બંધ થશે નહીં. બેન્કોમાં રોકડમાં વ્યવહારો જારી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter