ડેબિટ કાર્ડનું પિન લોક થતાં રશિયન પ્રવાસીએ કુમારકોટ્ટમના મંદિર બહાર ભીખ માગી

Thursday 12th October 2017 09:23 EDT
 
 

નવીદિલ્હીઃ ભારતીય હોય કે વિદેશી નાગરિક વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ હંમેશાં મદદ કરવા માટે તત્પર રહે છે. આ વખતે તામિલનાડુના એક મંદિરમાં ભીખ માગવા મજબૂર બનેલા એક રશિયન સહેલાણીને તેમણે મદદ કરી છે. ડેબિટ કાર્ડનું એટીએમ પિન લોક થઇ જતાં ઇવાંજેલિન નામના આ શખ્સને ભીખ માગવા માટે મજબૂર થવું પડયું હતું.

આ સબંધે એક મીડિયા હેવાલ બાદ સુષમા સ્વરાજે ટ્વિટરથી તેને મદદ કરી હતી. તેમણે રશિયન નાગરિક અંગે ટ્વિટ કરતાં લખ્યું કે, તમારો દેશ રશિયા અમારો મિત્ર છે. ચેન્નઇમાં મારા અધિકારીઓ તમને તમામ મદદ કરશે.

મીડિયા રિપોર્ટ અનુસાર ઇવાંજેલિન કાંચીપુરમ સ્થિત એક મંદિરમાં ભીખ માગી રહ્યા હતા. તેઓ ૨૪મી સપ્ટેમ્બરે ભારત આવ્યા હતા. મંગળવારે તેઓ ચેન્નઇથી કાંચીપુરમ ગયા હતા અને ત્યાં કેટલાક મંદિરમાં દર્શન કર્યા હતા, એ દરમિયાન પૈસા કાઢવા માટે એક એટીએમ પહોંચ્યા તો તેમનો ડેબિટ કાર્ડનો પિન લોક થઇ ગયો છે.

પોલીસે દસ્તાવેજો ચકાસી ચેન્નઇ જવા પૈસા આપ્યા

એ બાદ તે ઘણો જ નિરાશ થઇ ગયો હતો અને તે પછી કુમારકોટ્ટમ મંદિરના પ્રવેશ દ્વારે બેસીને ત્યાં આવતાંજતાં લોકો પાસે ભીખ માગવા બેઠો હતો. જ્યારે એ અંગેના હેવાલ મળ્યા તો પોલીસ મંદિરે પહોંચી હતી અને એ બાદ તેના ડોક્યુમેન્ટસ ચકાસીને ચેન્નઇ પહોંચવા માટે પૈસા આપ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter