ડો. મનમોહન સિંહની 5 અવિસ્મરણીય ઉપલબ્ધિ

Saturday 04th January 2025 01:49 EST
 
 

ભારતમાં આર્થિક ઉદારીકરણની શરૂઆત

ડો. મનમોહન સિંહની સૌથી મોટી સિદ્ધિ 1991માં ભારતમાં આર્થિક ઉદારીકરણની શરૂઆત હતી. તત્કાલીન વડાપ્રધાન નરસિમ્હા રાવના નેતૃત્વમાં મનમોહન સિંહ નાણામંત્રી બન્યા. તે સમયે દેશ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. વિદેશી હૂંડિયામણના ભંડાર ખાલી હતા અને દેશ પર વિદેશી દેવાનો ડુંગર હતો. આ સ્થિતિમાં મનમોહન સિંહે સાહસિક નિર્ણયો લીધા અને ભારતના અર્થતંત્રને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ (LPG)ના માર્ગ પર લઈ જવાનું કામ કર્યું. આ સુધારાઓએ ભારતને નવી આર્થિક શક્તિ બનવાનો માર્ગ મોકળો કર્યો.

ઇન્ફર્મેશન ટેકનોલોજી અને ટેલિકોમ સેક્ટરમાં ક્રાંતિ

મનમોહન સિંહે વડાપ્રધાન તરીકે દેશમાં આઈટી અને ટેલિકોમ ક્રાંતિને પ્રોત્સાહન આપ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન ભારતે ઈન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી હતી. BPO અને આઇટી ઉદ્યોગે વૈશ્વિક ઓળખ મેળવી અને લાખો યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરી. ટેલિકોમ સેક્ટરમાં સુધારાથી દેશના દરેક ખૂણે મોબાઈલ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી આવી ગઈ.

ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો - MGNREGA

મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ સરકારે 2006માં મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પલોયમેન્ટ ગેરન્ટી એક્ટ (MGNREGA) લાગુ કર્યો હતો. આ યોજના ગ્રામીણ ભારતમાં ગરીબ પરિવારોને 100 દિવસની ગેરંટીવાળી રોજગાર પૂરી પાડે છે. આ યોજનાએ માત્ર ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી ઘટાડવામાં મદદ કરી નથી પરંતુ ગ્રામીણ વિકાસને પણ વેગ આપ્યો છે.

ભારત-યુએસ અણુસંધિ-ઊર્જાક્ષેત્રે સુધારા

મનમોહન સિંહની દૂરંદેશીનું સૌથી મોટું ઉદાહરણ 2008માં ભારત-અમેરિકા પરમાણુ કરાર છે. આ કરાર ભારતને નાગરિક પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું. આના દ્વારા દેશમાં ઉર્જા સંકટ ઘટાડવા અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવાનો પાયો નાખવામાં આવ્યો હતો. જોકે આ સમજૂતીનો રાજકીય વિરોધ થયો હતો, તેમ છતાં મનમોહન સિંહ તેમના નિર્ણયથી પાછળ હટ્યા ન હતા.

શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સુધારા - RTE

મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રમાં પણ ઘણા મોટા સુધારાઓ થયા. તેમણે શિક્ષણનો અધિકાર આપતો રાઇટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ ઘડ્યો હતો, જે 6 થી 14 વર્ષની વયના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની ખાતરી આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter