નવી દિલ્હીઃ દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ લખનૌની ડો. શાહીન સઈદ છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી હતી. એક અખબારના અહેવાલમાં એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવાયું હતું કે શાહીને 2015માં જૈશ સાથે જોડાયા પછી એક વર્ષ સુધી સંવેદનશીલ માહિતી પહોંચાડવાનું કામ કર્યું અને 2016માં સક્રિય સભ્ય બની હતી.
આ અહેવાલ અનુસાર વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલ ઘણા વર્ષોથી કાવતરું ઘડી રહ્યું હતું. 2021માં જ્યારે એક સંબંધીએ ડો. શાહીનને તેના પતિ, બાળકો અને નોકરી છોડવા અંગે ઠપકો આપ્યો ત્યારે આ મહિલા આતંકીએ જવાબ આપ્યો હતો કે પરિવાર અને નોકરીમાં શું રાખ્યું છે? હવે પરિવાર માટે બહુ જીવી લીધું. હવે સમુદાયનું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. હું બધું પાછળ છોડીને તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું. મારી ચિંતા કરવાનું બંધ કરો, હું કંઈક મોટું આયોજન કરી રહી છું. હું જે કરું છું તેના પર તમને બધાને ગર્વ થશે.
કાનપુરની જીએસવીએમ મેડિકલ કોલેજમાં શાહીન સાથે કામ કરતી એક કર્મચારીએ જણાવ્યું કે 2010ની આસપાસ તે વિદેશમાં રહેતા ભારતીય મૂળના ડૉક્ટરના સંપર્કમાં આવી. તે તેને દસ્તાવેજો અને વીડિયો મોકલતો હતો. તે વાંચતી અને જોયો કરતી હતી. તે ભડકાઉ હતા. તે પછી જ તેનું વર્તન બદલાવા લાગ્યું.
જૈશની મહિલા પાંખની સુકાની
ડો. મુઝમ્મિલની ગર્લફ્રેન્ડ અને આ વિસ્ફોટ કેસમાં મુખ્ય આરોપી ડો. શાહીન શહીદ લખનઉના લાલ બાગમાં રહે છે. તેણે 2000માં અલ્હાબાદ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ અને ફાર્માકોલોજીમાં એમડી કર્યું હતું. દિલ્હી પોલીસના સૂત્રોએ ખુલાસો કર્યો કે ડો. શાહીન જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહરના સંપર્કમાં હતી. સાદિયાનો પતિ યુસુફ ઓપરેશન સિંદૂરમાં માર્યો ગયો છે. ત્યારબાદ, સાદિયાએ જૈશની મહિલા પાંખની કમાન સંભાળી. તેણીએ ડ. શાહીનને જૈશની મહિલા પાંખ, જમાત ઉલ-મોમિનાતની કમાન પણ સોંપી. ડો. શાહીન જૈશ અને અંસાર ગઝવાત ઉલ હિંદના ઘણા આતંકીઓ સાથે સીધા સંપર્કમાં હતી. તે ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં પ્રોજેક્ટમાં સામેલ હતી.
એક ગામ, બે ડોક્ટર, બન્ને આતંકી બની ગયા
કાશ્મીરના પુલવામામાં આવેલું કોઈલ ગામના બે પ્રતિભાશાળી યુવાનો, ડો. મુજમ્મિલ અને ડો. ઉમર નબી, દિલ્હી બોમ્બ વિસ્ફોટના મુખ્ય આરોપી છે. કોઈલમાં તેમના ઘરો વચ્ચેનું અંતર માત્ર 800 મીટર છે. મુઝમ્મિલ પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે ઉમરનું મોત થયું છે. બંનેએ નીટ પરીક્ષા પાસ કરી અને ડોક્ટર બન્યા, પરંતુ પછી સમાજથી દૂર થઈ ગયા અને આતંકી બની ગયા. ગામના લોકોને ટેલિવિઝન દ્વારા તેમના દુષ્કૃત્યો વિશે ખબર પડી. પત્રકારો કોઈલ ગામે પહોંચ્યા ત્યારે શોકનું વાતાવરણ હતું. કોઈ બોલવા તૈયાર નહોતું. નબીના સાળા, મુજમિલાએ જણાવ્યું કે ઉમરે શુક્રવારે બપોરે 3:30 વાગ્યે છેલ્લે ફોન કર્યો હતો. તે ખૂબ જ શાંત હતો અને કોઈની સાથે વાત કરતો ન હતો. પાડોશી ફિરદોસ અહેમદે કહ્યું કે જે લોકો એક સમયે ગામને ગૌરવ અપાવતા, આજે તેમના કારણે અમે બદનામ થયા છીએ.


