નવી દિલ્હીઃ ભારત માટે મોસ્ટ વોન્ટેડ અપરાધી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના મુદ્દે કેન્દ્ર સરકાર ક્ષોભમાં મુકાઇ છે. દાઉદ પાકિસ્તાનમાં છે કે નહીં ? આ મામલે કેન્દ્ર સરકારે સ્પષ્ટ જવાબ ન આપતા વિપક્ષોએ તેની આકરી ટીકા કરી છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન હરિભાઇ ચૌધરીએ લોકસભાને એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે દાઉદ ઇબ્રાહિમ ક્યાં છે તે અંગેની માહિતી સરકાર પાસે નથી. ડોન દાઉદ અત્યારે દેશની ગુપ્તચર એજન્સીઓના રડારમાં નથી. એકવાર દાઉદ ક્યાં છે તેની માહિતી મળ્યા બાદ સરકાર તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરશે. ચૌધરીના જવાબથી સરકાર ઘેરાઇ હતી. મોટો વિવાદ સર્જાતાં સરકારને ડેમેજ કન્ટ્રોલ કવાયત હાથ ધરવી પડી હતી. બીજી તરફ અન્ય કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિરેન રિજિજૂએ જણાવ્યું હતું કે દાઉદ પાકિસ્તાનમાં જ છે અને ભારત તેના ઠેકાણા અંગે જાણે છે. પરંતુ પાકિસ્તાની એજન્સીઓ ભારતને મદદ કરી રહી નથી. બંને ગૃહ રાજ્ય પ્રધાનોના ધરાર વિરોધાભાસી નિવેદનોના કારણે સરકાર વધુ ભીસમાં મૂકાઈ છે.
ગડકરીનું આશ્ચર્યજનક નિવેદન, વૃક્ષોનું માનવમૂત્રથી સિંચન કરો!ઃ કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી આશ્ચર્યજનક નિવેદન કરવા માટે મીડિયામાં જાણીતા છે. હવે તેમને વૃક્ષારોપણમાં વધારે રસ જાગ્યો છે. તેઓ વૃક્ષોને ઉછેરવા પોતાનાં મૂત્રનો ઉપયોગ કરે છે તેવો તેમનો દાવો છે. ગડકરીએ એવો રહસ્યસ્ફોટ કર્યો છે કે, પોતાનાં બંગલામાં વૃક્ષો ઉછેરવા હું મારા પોતાના મૂત્રનો ઉપયોગ કરું છું. આ માટે ૫૦ લિટરનાં કેનમાં મૂત્ર એકઠું કરું છું. ગડકરીના આ નિવેદનની સોશિયલ મીડિયામાં ખૂબ ઠેકડી ઉડી હતી. નાગપુરમાં યોજાયેલા સ્પ્રિન્કલર્સથી સિંચાઈ અંગેનાં સેમિનારમાં તેમણે કહ્યું હતું કે વ્યક્તિનું મૂત્ર એ મફતમાં મેળવી શકાતું ઘરગથ્થુ ખાતર છે, જે વૃક્ષોને સિંચીને ઉછેરી શકાય છે. આને કારણે છોડ કે વૃક્ષ દોઢ ગણા વધે છે.
કાશ્મીરી પંડિતો માટે જુદી ટાઉનશિપ નહીં બનેઃ જમ્મુ કાશ્મીર પંડિતો માટે અલગ વસાહત બનાવવાનાં મુદ્દે કેન્દ્ર સરકારે લોકસભામાં એવી સ્પષ્ટતા કરી હતી કે કાશ્મીરી પંડિતો માટે અલગ ટાઉનશિપ બનાવવાની કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. આમ પંડિતો માટે આવી ટાઉનશિપ બનાવવાના મુદ્દે સર્જાયેલા વિવાદને ડામવામાં આવ્યો હતો. રાજયકક્ષાનાં ગૃહ પ્રધાન હરિભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો માટે અલગ ઝોન્સ બનાવવાની કોઈ દરખાસ્ત નથી.
સ્વદેશી ટેકનિકયુક્ત ‘આકાશ’ મિસાઈલ સેનામાં સામેલઃ ભારતીય સેનાને હવે સ્વદેશી ટેકનિક દ્વારા તૈયાર કરાયેલી મિસાઇલ સોંપવામાં આવી છે. છેલ્લાં ત્રીસ વર્ષથી આ મિસાઇલ તૈયાર કરવા માટે ડીઆરડીઓના વૈજ્ઞાનિકો કાર્યરત હતાં. આ મિસાઇલ સ્વદેશી ટેકનિક દ્વારા તૈયાર થઇ છે, જે જમીનથી ૨૫ કિલોમીટરનાં અંતરે દુશ્મનોના હેલિકોપ્ટર, વિમાનો અને ડ્રોન વિમાનોને આસાનીથી નિશાન બનાવી શકે છે.