ચેન્નઇઃ નવા વર્ષના પ્રારંભે તમિલનાડુના ચિન્નાસાલેમમાં દલિતો માટે એક નવી શરૂઆત થઇ છે. 200 વર્ષ પછી દલિતોને કલ્લાકુરિચી - વરાધારાજા પેરુમલ મંદિરમાં પ્રવેશ મળ્યો છે. વહીવટી તંત્ર અે ઉચ્ચ અધિકારીઓના હસ્તક્ષેપ પછી આ શક્ય બન્યું છે અને ગામવાળાઓના વિરોધ છતાં એક નવી શરૂઆત જોવા મળી છે.
200 વર્ષ પછી મળેલા મંદિર પ્રવેશના આ અધિકારથી દલિતો ખુશ છે અને તેમણે મંદિરમાં પુજા પણ કરી હતી. વાસ્તવમાં આ મંદિરમાં દલિત સમુદાય ઘણા લાંબા સમયથી મંદિરમાં પ્રવેશવાની પરવાનગી માગી રહ્યાં હતાં. જોકે ગામ લોકોના વિરોધના કારણે આ શક્ય બન્યું ન હતું.
ગામના લોકોનું માનવું હતું કે જે પરંપરા વર્ષોથી ચાલતી આવે છે તેઓ તેમાં કોઇ ફેરફાર કરવા માગતા ન હતાં. આ જ કારણે તમામ પ્રકારના દેખાવો છતાં દલિત સમુદાયને મંદિરમાં પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યા હતાં.
કલેક્ટર શ્રવણ કુમાર સહિતના અધિકારીઓને આ અંગે માહિતી મળી તો તેમણે તરત જ હિંદુ ધાર્મિક અને ધર્માર્થ બંદોબસ્ત વિભાગનો સંપર્ક સાધ્યો હતો. આ પછી ત્યાંથી પરવાનગી મળી ગઇ તો દલિત સમુદાયને મંદિરમાં દાખલ કરાવ્યા હતાં.
આ વંચિત સમુદાયને પોલીસ બંદોબસ્ત વચ્ચે કલ્લાકુરિચી - વરાધારાજા પેરુમલ મંદિરમાં પ્રવેશ મળ્યો હતો. પોલીસ બંદોબસ્ત એટલા માટે રાખવામાં આવ્યો હતો કે કારણ કે વહીવટી તંત્રને ડર હતો કે ગામવાળાઓ દલિત સમુદાયની એન્ટ્રીનો વિરોધ કરી શકે છે અને વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કરી શકે છે. જેના પગલે મંદિરની આસપાસ 300 પોલીસ કર્મચારીઓ અગાઉથી જ તૈનાત કરવામાં આવ્યા હતાં.
છેલ્લા દસ દિવસમાં આ બીજો પ્રસંગે છે જ્યારે દલિત સમુદાયને કોઇ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. આ અગાઉ અય્યાનાર મંદિરમાં દલિતોનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.


