તમિલનાડુમાં પન્નીરસેલ્વમ્ આઉટઃ મુખ્ય પ્રધાનપદે ઈ. કે. પલાનીસામી

Friday 17th February 2017 05:15 EST
 
 

ચેન્નાઈઃ તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસથી મંડરાયેલા રાજકીય અનિશ્ચિતતાના વાદળો આખરે વિખેરાયા છે. રાજ્યપાલે ૧૬ ફેબ્રુઆરીએ વી. કે. શશીકલનાના વિશ્વાસુ ઇદાપડ્ડી કે. પલાનીસામીની રાજ્યના મુખ્ય પ્રધાન પદે વરણી કરી છે. છેલ્લા નવ મહિનામાં તમિલમાડુમાં ત્રીજી વખત મુખ્ય પ્રધાનની બદલી થઈ છે. તમિલનાડુ વિધાનસભાના સચિવ જમાલુદ્દીને પલાનીસામીને ૧૮ ફેબ્રુઆરીએ વિધાનસભાનું સત્ર યોજીને બહુમતી પુરવાર કરવા જણાવ્યું છે.

રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવે પશ્ચિમ તમિલનાડુના વરિષ્ઠ નેતા ૬૩ વર્ષીય પલાનીસામીને ૧૬ ફેબ્રુઆરીએ પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. પલાનીસામીએ ૩૧ સભ્યોના પ્રધાનમંડળનું નેતૃત્ત્વ કર્યું હતું. નવી સરકારમાં પન્નીરસેલ્વમ્ સરકારના મોટા ભાગના પ્રધાનોને સ્થાન અપાયું છે.

છેલ્લા નવ મહિનામાં પલાનીસામી એઆઇએડીએમકેના ત્રીજા નેતા છે, જેમણે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. મે ૨૦૧૬માં વિધાનસભા ચૂંટણી જીતી લઇને જયલલિતાએ મુખ્ય પ્રધાન પદના શપથ લીધા હતાં. પાંચમી ડિસેમ્બરે જયલલિતાનું અવસાન થયા પછી જયલલિતાના વિશ્વાસુ પન્નીરસેલવમે મુખ્ય પ્રધાન પદના શપથ લીધા હતાં. ઉલ્લેખનીય છે કે શશીકલાએ જેલ જતાં પહેલા પલાનીસામીને એઆઇએડીએમકે વિધાયક દળના નેતા બનાવી દીધા હતાં. આ પછી પલાનીસામીએ રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો હતો.

પલાનીસ્વામીએ ૧૫ ફેબ્રુઆરીએ રાજ્યપાલને મળીને ૧૨૪ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો રજૂ કર્યો હતો. જેના પગલે રાજ્યપાલે પલાનીસામીને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. ૨૩૪ સભ્યો ધરાવતી તમિલનાડુ વિધાનસભામાં પલાનીસામીને બહુમતી સાબિત કરવાની રહેશે.

પલાનીસામીએ ગૃહ, નાણાં, પબ્લિક વર્ક્સ, હાઇવે અને પોર્ટસ જેવા મહત્ત્વના મંત્રાલય પોતાની પાસે રાખ્યા છે. સી. શ્રીનિવાસનને વન મંત્રાલય, કે. એ. સેન્ગોટ્ટાયનને શિક્ષણ, કે. રાજુને સહકાર, પી. થાંગામણીને વીજળી, એસ. પી. વેલુમણીને મ્યુનિસિપલ વહીવટ, ડી. જયકુમારને મત્સય અને સી. વી. શણ્મુગમને કાયદા મંત્રાલય સોંપવામાં આવ્યું છે.

સાદગીથી શપથગ્રહણ

એઆઇએડીએમકેના વિધાયક દળના નેતા પલાનીસામીએ ૧૫ ફેબ્રુઆરીએ સાંજે રાજભવનમાં સાદગીપૂર્ણ રીતે યોજાયેલા સમારંભમાં મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતાં. શપથગ્રહણ સમારંભમાં પક્ષના સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ હાજર રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે સ્વર્ગસ્થ જયલલિતાએ ૨૦૧૧, ૨૦૧૫ અને ૨૦૧૬માં મદ્રાસ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં શપથ લીધા હતાં. સુપ્રીમ કોર્ટે શશીકલાને સજા ફટકારી તે પહેલા તેમના શપથહગ્રહણ સમારંભની તૈયારીઓ પણ મદ્રાસ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં જ ચાલી રહી હતી.

પલાનીસામીને આત્મવિશ્વાસ

તમિલનાડુના મુખ્ય પ્રધાન પલાનીસામીએ શપથગ્રહણ સમારોહ પછી વિશ્વાસ કર્યો હતો કે તેમને વિધાનસભામાં બહુમતી પુરવાર કરવામાં સફળતા મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમ્મા (જયલલિતા)ની સરકાર ચાલુ રહેશે. મુખ્ય પ્રધાન બન્યા પછી પત્રકારો સાથેની પ્રથમ વાતચીતમાં પલાનીસામીએ જણાવ્યું હતું કે વિધાનસભામાં બહુમતી પુરવાર થઇ જશે અને અમ્માની સરકાર ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે જયલલિતાના અવસાન પછી પાંચ ડિસેમ્બરે પન્નીરસેલ્વમે પણ રાજભવનમાં જ શપથ ગ્રહણ કર્યા હતાં. શપથગ્રહણ સમારોહ પછી પલાનીસામીએ પક્ષના સ્થાપક એમ. જી. રામચંદ્રન્ અને જયલલિતના સમાધિસ્થળની મુલાકાત લઇને શ્રદ્ધાંજલિ આપી હતી.

પન્નીરસેલવમના ઘર બહાર મારામારી

૧૫ ફેબ્રુઆરીએ સાંજે પન્નીરસેલવમના ઘરની બહાર તેમના સમર્થકો અને કાયદાપ્રધાન સી. વી. શણ્મુગમના સમર્થકો વચ્ચે ઝઘડો થતાં બે કાર્યકરોને ઇજા થઇ હતી. શણ્મુગમના સમર્થકોએ કરેલા પથ્થરમારામાં એક પોલીસ જવાન અને પન્નીરસેલવમના એક સમર્થકને ઇજા થઇ હતી. ઘટનાસ્થળે હાજર પોલીસે સ્થિતિને અંકુશમાં લેવા બંને જૂથના સમર્થકોને પન્નીરસેલવમના ઘર પાસેથી દૂર ધકેલ્યા હતાં.

જયલલિતાનું ઘર સ્મારક નહીંઃ કોર્ટ

સદ્ગત મુખ્ય પ્રધાન જયલલિતાના પોએસ ગાર્ડન ખાતેના ૨૪૦૦ ચોરસ ફૂટના રહેઠાણને જાહેર સ્મારક બનાવવાની તમિલનાડુ સરકારની અરજીને હાઇ કોર્ટે ફગાવી દીધી છે. એસ. પાર્થિબન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ન્યાયમૂર્તિ એચ. જી. રમેશ અને આર. મહાદેવનની બનેલી ખંડપીઠે ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે જયલલિતાના રહેઠાણને સ્મારક બનાવવા ઓ. પન્નીરસેલ્વમે તાજેતરમાં હસ્તાક્ષર અભિયાન શરૂ કર્યુ હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter