તમિલનાડુમાં ભાજપ-પીએમએકેનું જોડાણ

ચૂંટણીનો ચકરાવો

Thursday 28th March 2024 14:27 EDT
 
 

તમિલનાડુમાં ભાજપ-પીએમએકેનું જોડાણ
ભાજપે તમિલનાડુમાં પટ્ટલી મક્કલ કાચી (પીએમકે) સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. એનડીએમાં સામેલ એઆઇએડીએમકે માટે આ એક મોટો ફટકો માનવામાં આવે છે. રાજ્યની 39 બેઠકોમાંથી ભાજપ 29 અને પીએમકે 10 સીટો પર ચૂંટણી લડશે. પીએમકેના પ્રમુખ અંબુમણિ રામાદોસે કહ્યું કે તમિલનાડુમાં છેલ્લાં 60 વર્ષથી શાસન કરનારા પક્ષો પ્રત્યે જનતામાં નફરત છે. લોકો રાજ્યમાં પરિવર્તનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમની ઈચ્છા પૂરી કરવા માટે પીએમકેએ એનડીએ સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે.

•••
ભાજપની યાદીમાં કંગના ઈન, વરુણ આઉટ
ભાજપે ઉમેદવારોની પાંચમી યાદી રવિવારે બહાર પાડી હતી. જેમાં દેશની કુલ 111 બેઠકોના ઉમેદવારોના નામ છે. પાંચમી યાદીમાં સૌથી મોટું અને ધ્યાન ખેંચનારું નામ અભિનેત્રી કંગના રણૌતનું છે. કંગનાને હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ટિકિટ આપી છે. તો સુપરહિટ ટીવી સિરિયલ રામાયણમાં ભગવાન રામનું પાત્ર ભજવીને લોકોમાં અનેરુ સ્થાન ધરાવતા અરુણ ગોવિલ પણ છે. પાર્ટીએ ગોવિલને ઉત્તર પ્રદેશની મેરઠ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશની પીલીભીત બેઠક પરથી વર્તમાન સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કાપી છે.

•••
કોંગ્રેસની ચોથી યાદીમાં 46 નામ
કોંગ્રેસે શનિવારે રાત્રે ઉમેદવારોના નામની ચોથી યાદી જાહેર કરી છે. તેમાં 12 રાજ્યોના 46 ઉમેદવાર છે. યાદીમાં આસામની-1, આંદામાન-1, ચંડીગઢ-1, જમ્મુ કાશ્મીર-2, મધ્ય પ્રદેશ-12, મહારાષ્ટ્ર-4, મણિપુર-2, મિઝોરમ-1, રાજસ્થાન-3, તમિલનાડુ-7, ઉત્તર પ્રદેશ- 9, ઉત્તરાખંડ-2, બંગાળ-1 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પક્ષે અત્યાર સુધી 184 સીટો પર ઉમેદવારો જાહેર કર્યા છે. દિગ્વિજય સિંહને મધ્ય પ્રદેશના રાજગઢથી ટિકિટ અપાઇ છે. વારાણસીથી વડાપ્રધાન મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતારાયા છે. કોંગ્રેસ પાર્ટીએ ઉધમપુરથી ચૌધરી લાલ સિંહ, જમ્મુથી રમણ ભલ્લા, ભોપાલથી અરુણ શ્રીવાસ્તવને મેદાનમાં ઉતાર્યા છે.

•••
ભાજપ-બીજેડીએ જોડાણ ટાળ્યું
ઓડિશામાં ભાજપ અને બીજુ જનતા દળ (બીજેડી) વચ્ચે કોઈ ગઠબંધન નહીં થાય. પાર્ટીના વડા મનમોહન સામલે કહ્યું કે ભાજપને રાજ્યના લોકોની અસ્મિતા અને હિતોની ચિંતા છે. ઓડિશાના 4.5 કરોડ લોકોની ભાવનાને ધ્યાનમાં રાખીને 21 લોકસભા અને 147 વિધાનસભા બેઠકો પર એકલા ચૂંટણી લડશે. આ પહેલા સત્તાધારી બીજેડી અને વિપક્ષ ભાજપ વચ્ચે ચૂંટણી પૂર્વ ગઠબંધન પર લાંબા સમયથી વાતચીત ચાલી હતી. બીજી તરફ, બીજેડીના વરિષ્ઠ સાંસદ અને સ્થાપક સભ્યોમાંના એક ભર્તુહરિ મહાતાપે પક્ષના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. કટકથી છ વખત સાંસદ રહી ચૂકેલા મહાતાપે કહ્યું કે, મને સ્વતંત્ર રીતે કામ કરવાની તક મળી નથી.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter