તમિલનાડુમાં મુખ્યપ્રધાન પદની રેસમાં છેવટે ટીવીકેનો ‘વિજય’

Tuesday 12th May 2026 12:13 EDT
 
 

તિરુવનંતપૂરમઃ વિધાનસભા ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ બહુમતીથી વેંત છેટા રહી ગયેલા ટીવીકે પક્ષના સુકાની થલપતિ વિજય છેવટે કોંગ્રેસ સહિતના પક્ષોની મદદથી સત્તાનું સુકાન સંભાળવામાં સફળ રહ્યા છે. નવનિયુક્ત મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે રવિવારે શપથ ગ્રહણ કર્યા બાદ કાર્યભાર સંભાળતાની સાથે જ અનેક મોટા નિર્ણયો લીધા. સૌથી પહેલા તેમણે 200 યુનિટ મફત વીજળી યોજનાને લીલી ઝંડી બતાવી, જે ઘરેલું વપરાશકારો માટે મોટી રાહત છે. મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા વિશેષ સુરક્ષા દળ અને નશાની સમસ્યા ખતમ કરવા માટે દરેક જિલ્લામાં એન્ટિ-ડ્રગ યુનિટ બનાવવાના પ્રસ્તાવો પર મહોર લગાવી હતી. રાજ્યની તિજોરી પર રૂ. 10 લાખ કરોડનું દેવું હોવાનો આરોપ મૂકતાં તેમણે રાજ્યની નાણાકીય સ્થિતિ પર શ્વેતપત્ર જાહેર કરવા આદેશ આપ્યો. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજયને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્યપાલની વિજયને ટકોર
શપથ લેતી વખતે વિજયે નિર્ધારિત બંધારણીય લખાણથી હટીને રાજકીય સંદેશ આપવાનું શરૂ કર્યું. તેમણે બંધારણ પ્રત્યેની નિષ્ઠાની સાથે નફરત મિટાવવા અને સમાજના તમામ વર્ગો માટે કામ કરવાની વાતો ઉમેરી દીધી, આના પર રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરે કહ્યું હતું કે દસ્તાવેજ મુજબ જ શપથ વાંચો. ત્યારબાદ તેમણે નિર્ધારિત માળખામાં શપથ પૂરા કર્યા. બીજી બાજુ, ડીએમકે એ ઉદયનિધિ સ્ટાલિનને વિપક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે.
પ્રથમ કેબિનેટના ‘નવ’ રત્ન
મુખ્યમંત્રી વિજયે પોતાની પ્રથમ કેબિનેટમાં યુવા ઉર્જા અને વિશેષજ્ઞતાને મહત્ત્વ આપ્યું છે. મંત્રીમંડળના 9 મુખ્ય ચહેરા આ મુજબ છેઃ • એન. આનંદ: જૂના વફાદાર. પાર્ટી લોન્ચ થયા પહેલા વિજયના ફેન ક્લબ એસોસિએશનના અધ્યક્ષ હતા. પાર્ટીના પ્રથમ મહાસચિવ બન્યા. • આદવ અર્જુન: 6 ફૂટ 7 ઈંચ લાંબા પૂર્વ બાસ્કેટબોલ ખેલાડી. વ્યૂહરચનાકાર અને રમતગમત પ્રશાસક. ગત ચૂંટણીમાં ડીએમકેની જીતમાં ભૂમિકા ભજવી ચૂક્યા છે. • એસ. કીર્તના: 29 વર્ષના કીર્તના તમિલનાડુના સૌથી યુવા ધારાસભ્ય. શિવકાશીથી 7 દાયકામાં પ્રથમ મહિલા ધારાસભ્ય છે. અન્નાદ્રમુકના પૂર્વ મંત્રીને પરાજિત કર્યા. • ડો. કેજી અરુણરાજ: ચિકિત્સક અને પૂર્વ ઓફિસર, મહાસચિવ. આઈઆરએસ નીતિ, પ્રચાર. • ડો. ટીકે પ્રભુ: વ્યવસાયે ડેન્ટિસ્ટ. શિક્ષિત અને નિષ્કલંક છબી મોટું કારણ રહી. • કે.એ. સેંગોટ્ટઇયનઃ અન્નાદ્રમુકના સૌથી વરિષ્ઠ નેતાઓમાંથી એક. પાંચ દાયકાના જોડાણ બાદ ગત વર્ષે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવતા વિજય સાથે જોડાયા હતા. • પી. વેન્ક્ટરમણનઃ વકીલ અને વિજયના જૂના મેનેજર. 25 વર્ષથી વિશ્વાસુ છે. • નિર્મલ કુમાર: આઈટી, સોશિયલ મીડિયા વિશેષજ્ઞ. ડિજિટલ બ્રાન્ડિંગમાં માહેર છે. • રાજમોહન અરુમુગમ: પ્રેરક વક્તા - અભિનેતા. જનસંપર્ક કૌશલમાં અજોડ છે.
કોંગ્રેસે દગો કર્યોઃ ડીએમકે
વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. વિજયની પાટી TVKને કોંગ્રેસ તરફથી સમર્થનની જાહેરાત કરાતા ડીએમક ધુંધવાયું છે. કોંગ્રેસની જાહેરાત બાદ સ્ટાલિનના નેતૃત્વ હેઠળની ડીએમકે પાર્ટી નારાજ થઈ ગઈ છે. ડીએમકેએ પોતાના સૌથી જૂના રાષ્ટ્રીય સહયોગી કોંગ્રેસે અચાનક મારેલી ગુલાંટને પીઠમાં છરો ભોંકવા સમાન બાબત ગણાવી હતી. ડીએમકેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોંગ્રેસે ટીવીકે સાથે ગઠબંધન કરીને તેમને સમર્થન આપવાનો જે નિર્ણય કર્યો છે, તે બહુ મોટો દગો છે. કોંગ્રેસે માત્ર દ્રમુક જ નહીં પરંતુ, સમગ્ર તમિલનાડુની જનતાની પીઠમાં છરો ભોંક્યો છે. અન્નાદુરાઇએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે કોંગ્રેસે તમિલનાડુની જનતાએ આપેલા જનાદેશનું પણ ઘોર અપમાન કર્યું છે. ડીએમકે પ્રવક્તાએ કોંગ્રેસની આ ઉતાવળ સામે ટોણો મારતા કહ્યું હતું કે જીતના પ્રમાણપત્ર પર ચૂંટણી અધિકારીની સહી હજુ સુકાઇ પણ નહોતી અને કોંગ્રેસે નવું ગઠબંધન નક્કી કરી લીધુ હતું. પ્રવક્તાએ કોંગ્રેસને ઇતિહાસની યાદ અપાવતા કહ્યું હતું કે અમારા નેતા સ્ટાલિને જ પહેલીવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપમાં રજૂ કર્યા હતા.
બે વર્ષમાં સત્તાના સિંહાસને
માત્ર બે વર્ષ પહેલા નવી પાર્ટી ટીવીકે બનાવનાર અભિનેતામાંથી નેતા બનેલા વિજયે રવિવારે એક ભવ્ય સમારોહમાં તમિલનાડુના નવમા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ પ્રસંગે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા. આ સાથે જ તમિલનાડુમાં 64 વર્ષ પછી પ્રથમ વખત બિન-દ્રવિડ પાર્ટી સત્તામાં આવી છે. તેમણે અગાઉની ડીએમકે અને એઆઈએડીએમકે સરકારો પર પરોક્ષ રીતે પ્રહાર કરતા કહ્યું - ‘મારા સિવાય અન્ય કોઈ શક્તિ કેન્દ્ર નહીં હોય. હું એકમાત્ર શક્તિ કેન્દ્ર રહીશ.’
શું છે બહુમતીનું ગણિત?
તમિલનાડુની 234 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે 118 સીટોની જરૂર હતી. ટીવીકે પાસે 108 સીટો હતી. આ પછી કોંગ્રેસનાં 5, સીપીઆઈનાં 2, સીપીઆઈએમનાં 2 અને વીસીકેનાં 2 તેમજ આઇયુએમએલનાં બે ધારાસભ્યો સહિત ટીવીકે ગઠબંધનનો આંકડો 120 સુધી પહોંચી ગયો છે. આમ વિજય થલપતિ માટે નવી સરકાર રચવાનો રસ્તો ખુલ્લો થયો છે.

વિજયે ધોતી, કુર્તાની પરંપરા તોડી
શપથ ગ્રહણ સમારોહમાં નેતાઓ સામાન્ય રીતે કુરતા કોટી પહેરીને આવતા હોય છે. જોકે વિજય અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા, વિજયે કાળા રંગનું પેન્ટ અને સફેદ રંગનો શર્ટ પહેર્યો હતો. બાદમાં ઉપર કાળા રંગનો કોટ પહેરી લીધો હતો. વિજય તમિલનાડુના યુવા વર્ગને પસંદ આવે તેના લૂકમાં શપથ ગ્રહણ કરવા પહોંચ્યા હતા. તમિલનાડુમાં અત્યાર સુધીમાં મોટાભાગના મુખ્યમંત્રીઓ દક્ષિણ ભારતની પરંપરાગત ધોતી કુરતામાં જ શપથ લેતા જોવા મળ્યા છે. વિજયે નવો ટ્રેન્ડ શરૂ કરી દીધો છે. આ સાથે જ વિજયે એક સંદેશો આપ્યો કે તેની સરકાર આધુનિક રીતે કામ કરશે.
શપથવિધિમાં ગર્લફ્રેન્ડ ત્રિશા છવાઇ
તમિલનાડુના મુખ્યમંત્રી બનેલા વિજય થલાપતિના શપથગ્રહણ સમારોહમાં ગર્લફેન્ડ અને તમિલ અભિનેત્રી ત્રિશા કૃષ્ણન વાદળી સાડી પહેરીને પહોંચી હતી અને પોતાની સાદગીથી ચાહકોનાં દિલ જીતી લીધા હતાં. ચેન્નાઈના જવાહરલાલ નેહરુ ઈન્ડોર સ્ટેડિયમમાં વિજયે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં ત્યારે અન્ય સૌ કોઇ સાથે અભિનેત્રી ત્રિશા કૃષ્ણન સાવ અલગ રીતે નિખરી હતી. થલાપતિ વિજયના શપથ ગ્રહણ સમારોહમાં ત્રિશાની આંખો ભરાઈ આવી હતી. પોતાનું મોટું સપનું સાકાર થઈ રહ્યું હોય એમ વિજય જોસેફની આ ઐતિહાસિક સિદ્ધિ થકી ઘણી ભાવુક જણાતી હતી. ત્રિશા પોતાની માતા ઉમા કૃષ્ણન સાથે આ ખાસ પ્રસંગે હાજર રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter