દહેરાદૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી દેશના જવાનો સાથે ઊજવવાની પરંપરા આ વર્ષે પણ જાળવી રાખી હતી. હિમાચલ પ્રદેશના લેપ્ચામાં મોદીએ કહ્યું કે, ‘કહેવાય છે કે જ્યાં પરિવાર હોય ત્યાં પર્વની ઊજવણી હોય. તમે જ મારો પરિવાર છો. તેથી જ જ્યાં તમે ત્યાં જ મારો તહેવાર. પર્વના દિવસે પરિવારથી દૂર સરહદ પર તૈનાત રહેવું એ કર્તવ્ય નિષ્ઠાની પરાકાષ્ઠા છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલાં રવિવારે દેશના નાગરિકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓએ તેમના પોસ્ટર ઉપર લખ્યું કે આ વિશેષ પર્વ સૌ કોઇનાં જીવનમાં આનંદ સમૃદ્ધિ અને અદ્ભૂત સ્વાસ્થ્ય લાવે. તે પછી તેઓએ ટ્વિટ કરતાં જણાવ્યું કે, દેશના બહાદુર જવાનો સાથે દીવાળી ઊજવવા હું હિમાચલ પ્રદેશનાં લેપ્ચામાં પહોંચી ગયો છું.
અહીં ઉપસ્થિત જવાનો અને સેનાના અધિકારીઓને સંબોધન કરતાં વડાપ્રધાને કહ્યું આપ સર્વેની સાથે દીવાળી ઉજવતાં હું ગર્વ અનુભવું છું. સંતોષ અને આનંદ ભરી દેનારી આ ક્ષણ મારા માટે અને સમગ્ર દેશવાસીઓ માટે દીપોત્સવીનો નવો પ્રકાશ ફેલાવનારી બની રહેશે તેટલો મને વિશ્વાસ છે.
તેઓએ વધુમાં કહ્યું ‘આપણા જવાનો હંમેશાં પડકારો સાથે જ ટકરાય છે. ભારત ત્યાં સુધી સુરક્ષિત છે કે જ્યાં સુધી તેની સીમાઓ ઉપર હિમાલય જેવા અડગ તેવા મારા જાંબાઝ સાથીઓ ઉભા છે. આપની સેવાઓને લીધે જ ભારત ભૂમિ સુરક્ષિત છે, અને સમૃદ્ધિના માર્ગ પર આગળ વધી રહી છે. ગઈ દિવાળી અને આ દિવાળી વચ્ચેનો જે સમયગાળો ગયો તે ભારત માટે વિશેષતઃ ઘણો જ મહત્વપૂર્ણ રહ્યો છે.’
2014માં વડાપ્રધાનપદ ગ્રહણ કર્યા પછી તેઓ સૌથી પહેલાં સિયાચીન ગયા હતા. 2015માં ખાસા (પંજાબ), 2016માં સુમડો (હિમાચલ), 2017માં ગુરેજ વેલી, 2018માં હરસિલ (ઉત્તરાખંડ), 2019માં જમ્મુ-કાશ્મીરનાં રાજૌરી, 2020માં જેસલમેર (રાજસ્થાન), 2021માં નૌશેરા (જમ્મુ-કાશ્મીર) અને 2022માં કારગીલમાં જવાનો સાથે દિવાળી ઉજવી હતી.


