તલાક અને બહુપત્નીત્વપ્રથાને પ્રતિબંધિત કરો: સરકારી પેનલ

Friday 01st April 2016 04:00 EDT
 
 

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય કમિટીએ ભલામણ કરી છે કે, મહિલાઓનો દરજ્જો સુધારવા માટે બહુપત્નીપ્રથા, મૌખિક, એક તરફી અને ત્રણવાર કહીને આપાવામાં આવતા તલાકને પ્રતિબંધિત કરાય છે. ગત યુપીએ સરકારમાં રચાયેલી આ કમિટીએ દેશમાં મહિલાઓની સ્થિતિ સુધારવા ગત વર્ષે જ પોતનો રિપોર્ટ સોંપી દીધો હતો, જેને હજુ સુધી સાર્વજનિક કરવામાં આવ્યો નહોતો.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ૨૮મી માર્ચે તલાકના નિયમો પર એક અરજીની સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકારને છ અઠવાડિયાની અંદર રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. ઉત્તરાખંડની એક મુસ્લિમ મહિલા દ્વારા ત્રણ વાર તલાક કહેવા અંગે એક અરજી દાખલ કરાઈ હતી. રિપોર્ટમાં કહેવાયું છે કે, આ પ્રકારના તલાકથી મહિલાઓ વૈવાહિક દરજ્જાને લઈને અસુરક્ષિત અનુભવ કરે છે. કમિટીએ મુસ્લિમ મેરેજએક્ટ ૧૯૩૯ને રદ કરવાની ભલામણ કરી છે, આ સાથે વચગાળાની રાહતની જોગવાઈ આપવાનું સૂચન કર્યું છે.

રિપોર્ટમાં કરવામાં આવેલાં અન્ય સૂચનો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અલગ રહેવાની અને તલાકની સ્થિતિમાં પત્ની અને બાળકોને ભરણપોષણ આપવાનું અનિવાર્ય હોવું જોઇએ. ઉલ્લેખનીય છે કે, ૧૯૮૫માં સુપ્રીમ કોર્ટે શાહબાનો કેસમાં મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ આપવાનો ચુકાદો આપ્યો હતો, પરંતુ મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાં તેને સ્થાન અપાયું નથી. રિપોર્ટમાં લખ્યું છે કે, તમામ જજોને સુપ્રીમ કોર્ટે આપેલી મુસ્લિમ લોની પરિભાષા અને મુસ્લિમ મહિલાઓના અધિકારોની સુરક્ષા અંગે જાણકારી હોવી જોઇએ. તેમાં શમીન આરા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ અને શબાના બાનો વિરુદ્ધ ઇમરાન ખાન કેસનો ઉલ્લેખ છે. શમીન આરા કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે સુનાવણી કરતાં તલાક અંગેના કુરાનના આકરા આદેશોને માન્યા નહોતા તો શબાના બાનો કેસમાં કોર્ટે જ્યાં સુધી ભરણપોષણ ન અપાય ત્યાં સુધી તલાક આપવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો વિરોધ

આ રિપોર્ટ અંગે મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય કમાલ ફારુકીએ જણાવ્યું હતું કે, જો આ રિપોર્ટમાં તલાક કહેવા અંગે અને બહુપત્નીત્વપ્રથા પર પ્રતિબંધ લગાવવાનાં સૂચનો હોય તો અમને તે સ્વીકાર્ય નથી. તેનો અર્થ એ થયો કે, સરકાર ધાર્મિક મામલાઓમાં દખલ કરે છે. શરિયા કુરાન અને હદીથ પર આધારિત છે, તે ધાર્મિક સ્વતંત્રની આઝાદીની વિરુદ્ધ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter