મહોબાઃ ટ્રિપલ તલાક પર ચાલી રહેલી ઉગ્ર ચર્ચામાં જોડાતાં વડા પ્રધાન મોદીએ મુસ્લિમોમાં ટ્રિપલ તલાક અને હિંદુઓમાં કન્યા ભ્રૂણહત્યાનાં દૂષણનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ઉત્તર પ્રદેશના મહોબામાં પ્રચારનું બ્યૂગલ ફૂંકતા મોદીએ જણાવ્યું હતું કે કન્યા ભ્રૂણહત્યા પાપ છે પછી ભલેને તે પાપી હિંદુ હોય. સરકારે આ પાપ અટકાવવા સંખ્યાબંધ પગલાં લીધાં છે. માતાઓ, દીકરીઓ અને બહેનોની સુરક્ષા થવી જોઈએ. તેમાં ધર્મને આડે લાવવાની જરૂર નથી. જો કોઈ હિંદુ ભ્રૂણહત્યા કરે તો તેને જેલમાં જવું પડશે, તેવી જ રીતે મારી મુસ્લિમ બહેનોનો શું અપરાધ છે કે, કોઈ તેને ફોન પર તલાક આપી તેનું જીવન બરબાદ કરી નાખે? મોદીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલી રજૂઆતમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે, ધર્મના આધારે મહિલાઓ પર કોઈ અત્યાચાર થવા જોઈએ નહીં કે ભેદભાવ રખાવો જોઈએ નહીં.
મોદીએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં ચર્ચા જરૂરી છે. સરકારે તેનું વલણ કોર્ટમાં રજૂ કરી દીધું છે. ટ્રિપલ તલાકની પરંપરા ચાલુ રાખવાના હિમાયતીઓ લોકોને ઉશ્કેરી રહ્યાં છે.