બરેલીઃ પ્રાણીઓ પર રિસર્ચ કરતી ભારતની સૌથી મહત્ત્વની સંસ્થા ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટે રિસર્ચના આધારે જણાવ્યું છે કે તાજા ગૌમૂત્રમાં માનવશરીરને નુકસાનકારક બેક્ટેરિયા હોય છે તેથી તેનું સીધું સેવન કરવું યોગ્ય નથી. જોકે ભેંસનું મૂત્ર ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા પર વધુ અસરકારક જોવા મળ્યું હતું. ઇન્સ્ટિટ્યુટના ભોજ રાજ સિંહ અને પીએચડીના 3 વિદ્યાર્થી દ્વારા તંદુરસ્ત ગાય અને બળદના મૂત્રનો અભ્યાસ કરાયો હતો. તેમાં તેમને ઓછામાં ઓછા 14 પ્રકારના હાનિકારક બેક્ટેરિયા મળ્યા હતા. તેમાં એસ્ક્રિશિયા કોલી બેક્ટેરિયાનો પણ સમાવેશ થાય છે જે પેટના રોગો માટે જવાબદાર છે. આ રિસર્ચને રિસર્ચગેટ નામની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરાયું છે.
ડિપાર્ટમેન્ટ ઓફ એપિડિમિઓલોજીના વડા ભોજ રાજ સિંહે જણાવ્યું હતું કે, અમે ગાય, ભેંસ અને માનવ મૂત્રના 73 સેમ્પલનો અભ્યાસ કર્યો હતો જેમાં ભેંસનું મૂત્ર ગૌમત્ર કરતાં વધુ ઉત્તમ જણાયું હતું. ભેંસનું મૂત્ર એસ-એપિડર્મિસ અને ઇ-ર્હાપોન્ટિસિ બેક્ટેરિયા પર વધુ અસરકારક સાબિત થયું હતું.


