તાતા-એરબસ જોડાણઃ રૂ. ૨૨ હજાર કરોડના ખર્ચે ભારતમાં મિલિટરી વિમાન બનાવશે

Saturday 02nd October 2021 04:11 EDT
 
 

નવી દિલ્હી: ભારત સરકારે ઇંડિયન એરફોર્સ માટે ટ્રાન્સપોર્ટ વિમાનોની ખરીદી કરવા રૂ. ૨૨,૦૦૦ કરોડનો પ્રાઇવેટ સેક્ટર સાથેનો અત્યાર સુધીનો સૌથી મોટો કરાર કર્યો છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતની તાતા એડવાન્સ્ડ સિસ્ટમ્સ અને સ્પેનની એરબસ ડિફેન્સ વચ્ચે ૨૪ સપ્ટેમ્બરે કરાર થયા હતા.
તાતા એડવાન્સ્ડ સિસ્ટમ અને એરબસ ડિફેન્સ સાથે મળીને ઇન્ડિયન એરફોર્સ માટે ૫૬ સી-૨૯૫ મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાનનું ઉત્પાદન કરશે. રૂ. ૨૨,૦૦૦ કરોડના આ સોદા અંતર્ગત એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ અને તાતા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ આગામી ૧૦ વર્ષમાં કુલ ૫૬માંથી ૪૦ વિમાનનું નિર્માણ ભારતમાં કરશે જ્યારે ૧૬ વિમાનની આગામી ૪૮ મહિનામાં એરબસ દ્વારા એરફોર્સને સીધી ડિલિવરી કરાશે.
અત્યાધુનિક ટ્રાન્સપોર્ટ વિમાન
C-295 વિમાન મિલિટરી હેતુઓના પરિવહન માટે વપરાતું અત્યાધુનિક વિમાન છે. એરબસ અને તાતા દ્વારા નિર્મિત C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાનો ઇન્ડિયન એરફોર્સના એવરો-૭૪૮ વિમાનોનું સ્થાન લેશે. ભારતમાં ૪૦ C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાનનું ઉત્પાદન કઇ જગ્યાએ કરવું તે અંગેનો અંતિમ નિર્ણય લેવાયો નથી. ગુજરાત અને ઉત્તર પ્રદેશ તેમજ હૈદરાબાદ અને બેંગલોર નજીકના સ્થળો આ માટે વિચારાધીન છે.
બે સપ્તાહ પહેલાં જ કેન્દ્રીય કેબિનેટની સુરક્ષા બાબતોની કમિટીએ આ કરારને લીલી ઝંડી બતાવી હતી. આઠમી સપ્ટેમ્બરે આપેલા નિવેદનમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, તમામ ૫૬ વિમાનને સ્વદેશી ઇલેક્ટ્રોનિક યુદ્ધસામગ્રી અને સરંજામથી સજ્જ કરાશે. આ વિમાનના મોટા ભાગના પાર્ટનું ઉત્પાદન ભારતમાં જ કરાશે. એરબસ દ્વારા ૧૬ વિમાનની સીધી ડિલિવરી થાય તે પહેલાં દેશમાં સર્વિસિંગ ફેસિલિટી પણ તૈયાર કરી દેવાશે.
C-295ની વિશેષતાઓ
આ અત્યાધુનિક મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાન ૨૦૦૦ કિમી સુધી ઉડાન ભરી શકે છે. ૬ ટન વજન વહન કરવાની ક્ષમતા સાથે સતત ૧૧ કલાક ઉડાન ભરવાની ક્ષમતા ધરાવે છે. આ વિમાન એકસાથે ૭૧ જવાન, ૫૦ પેરાટ્રુપર્સ અને પાંચ પેલેટ લઇ જવાની ક્ષમતા સાથે સાથે જ તમામ પ્રકારના હવામાનમાં વિવિધ પ્રકારની ભૂમિકા ભજવવામાં સક્ષમ છે. આ વિમાન નાઇટ કોમ્બેટ મિશનોમાં પણ સફળ ભૂમિકા ભજવી શકે છે.
એક મહાન પગલું: રતન ટાટા
ટાટા ટ્રસ્ટના ચેરમેન રતન ટાટાએ આ કરાર બાદ જણાવ્યું હતું કે, ભારતમાં એવિયેશન અને એવિઓનિક્સ પ્રોજેક્ટ શરૂ કરવાની દિશામાં આ એક મહાન પગલું છે. કરાર ભારતમાં વિમાનોના સંપૂર્ણ ઉત્પાદનની કલ્પનાને સાકાર કરશે. તાતા-એરબસ પ્રોજેક્ટથી દેશમાં આગામી સમયગાળામાં ૬૦૦૦થી વધુ નોકરી ઊભી થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter