મુંબઇઃ સેમિ-કંડક્ટર ચિપની અછતથી દુનિયાભરની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી હેરાન-પરેશાન છે, અને આમાંથી ભારતની કંપનીઓ પણ બાકાત નથી. દેશની દિગ્ગજ ઓટો કંપનીઓએ પણ ચિપની અછતને કારણે પ્રોડક્શન ઘણું ઘટાડવું પડ્યું છે. તાતા ગ્રૂપની કંપની તાતા મોટર્સ તથા અન્ય કંપનીઓ પણ આ સમસ્યાનો સામનો કરી રહી છે ત્યારે તાતા ગ્રૂપે હવે પોતાનો જ આઉટસોર્સ્ડ સેમિ-કંડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઓએસએટી) પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કર્યું છે. ઓએસએટી પ્લાન્ટમાં ફાઉન્ડ્રી મેડ સિલિકોન વેફર્સને પેકેજ, એસેમ્બલ અને ટેસ્ટ કર્યા બાદ ફિનિશ્ડ સેમિ-કંડક્ટર ચિપમાં ફેરવાય છે.
આ પ્લાન્ટ સ્થાપવા માટે તાતા ગ્રૂપે તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણા એમ ત્રણ રાજ્ય સાથે વાતચીત ચાલુ છે. તેમાંથી કોઇ એક રાજ્યમાં સેમિ-કંડક્ટર પ્લાન્ટ લગાવવા તે ૨,૨૦૦ કરોડ રૂપિયાથી વધુ રોકાણ કરી શકે છે. આ પ્લાન્ટ સ્થાપવા અંગે ડિસેમ્બર સુધીમાં અંતિમ નિર્ણય લેવાઇ શકે છે.
ઓટોમોબાઇલથી માંડીને એવિયેશન જેવાં સેક્ટર્સમાં કામ કરતું તાતા ગ્રૂપ હવે હાઇ-એન્ડ ડિજિટલ - ઇલેક્ટ્રોનિક બિઝનેસમાં રોકાણની પણ યોજના ઘડી રહ્યું છે. તાતાની સેમિ-કંડક્ટર ફેક્ટરી એક વર્ષમાં ચાલુ થઇ જશે, જેમાં અંદાજે ૪ હજાર લોકો કામ કરશે.