નવી દિલ્હીઃ દેશનાં ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લેતાં છઠ્ઠી એપ્રિલનો દિવસ મહત્ત્વપૂર્ણ બની રહ્યો. મંગળવારે તામિલનાડુની તમામ ૨૩૪ બેઠક, કેરળની તમામ ૧૪૦ બેઠકો અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની તમામ ૩૦ બેઠક ઉપર મતદાન યોજાયું. આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાયું, તો પશ્ચિમ બંગાળની ૩૧ બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થયું. વિધાનસભાની આ ચૂંટણીઓ ઉપરાંત કન્યાકુમારી અને મલ્લપુરમની લોકસભાની બેઠકો પણ પણ મતદાન યોજાયું. આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કામાં ૮૨.૨૯ ટકા મતદાન નોંધાયું હતું. તામિલનાડુ (૬૫.૧૧), પુડ્ડુચેરી (૭૮.૧૩ %) અને કેરળ (૭૦.૦૪)માં એક તબક્કામાં મતદાન યોજાયું હતું. કેરળ, પુડ્ડુચેરી, આસામ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ઘટી ન હતી.


