તામિલનાડુમાં પિતા કરુણાનિધિ બાદ હવે પુત્ર સ્તાલિન સત્તાના સિંહાસને

Wednesday 05th May 2021 00:51 EDT
 
 

નવી દિલ્હીઃ મોટા ભાગના રાજકીય પક્ષો કોંગ્રેસમાં ગાંધી પરિવારના એકહથ્થુ ચલણને પરિવારવાદ તરીકે ભાંડતા રહ્યા છે પરંતુ દરેક રાજકીય પાર્ટીના વડાઓ પાર્ટીની કમાન પોતાના સંતાનોને જ સોંપતા રહ્યાં છે. પાર્ટીમાં પરિવારવાદ ફકત કોંગ્રેસનો જ ઇજારો રહ્યો નથી. તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ડીએમકે ગઠબંધન સંપુર્ણ બહુમતી સાથે સરકારની રચના કરવા જઇ રહ્યું છે.
ડીએમકેના વડા એમ. કે. સ્તાલિન મુખ્ય પ્રધાન પદના શપથગ્રહણ કરશે. ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહ બાદ તેમના પુત્ર અખિલેશ યાદવ મુખ્ય પ્રધાન બન્યા હતા. તેવી જ રીતે હવે તામિલનાડુમાં એમ. કે. કરુણાનિધિ બાદ તેમના પુત્ર સ્તાલિન મુખ્ય પ્રધાનપદ સંભાળશે. તામિલનાડુમાં એમ જી રામચંદ્રનના ઉદય બાદ રાજનીતિમાં ફિલ્મ સ્ટારોની બોલબાલા રહી છે. એમ જી રામચંદ્રન પછી જે. જયલલિતાએ બે વાર રાજયના મુખ્ય પ્રધાનની ખુરશી સંભાળી. રાજયની જનતામાં ફિલ્મ સ્ટારો ભગવાનની જેમ પૂજાય છે. જનતા તેમના રાજનીતિમાં પ્રવેશને વધાવીને ખુરશી પર બેસાડતી રહી છે. આ વખતે પણ કમલ હાસન સહિતના સંખ્યાબંધ ફિલ્મ સ્ટાર પોતાની પાર્ટીઓ સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યાં છતાં સ્તાલિનની પાર્ટીએ દમદાર દેખાવ કર્યો છે. તેમના પિતા કરુણાનિધિ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હતા પરંતુ સ્તાલિન સીધેસીધા રાજનીતિ સાથે જોડાયેલા રહ્યાં છે.
રાજયની રાજનીતિમાં નવો પક્ષ રચીને એન્ટ્રી કરનાર કમલ હાસનને નોંધપાત્ર સફળતા હાંસલ થઇ નથી. તેમના રાજકીય પક્ષ મક્કલ નીધિ મૈયામનો એક પણ ઉમેદવાર ચૂંટણી જીતી શકયો નથી. સાઉથ કોઇમ્બતૂરની બેઠક પરથી મેદાનમાં ઉતરેલા કમલ હાસનનો ભાજપના ઉમેદવાર સામે પરાજય થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter