નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત-વાવાઝોડું વરદા સોમવારે બપોરે ચેન્નાઈના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. ચક્રવાત વરદાના કારણે તામિલનાડુમાં તથા આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને તબાહીના નજારા જોવા મળ્યા હતા. ૧૪૦ કિલોમીટરની ઝડપે આ રાજ્યોના દરિયાકાંઠે પવન ફૂંકાયો હતો. ચેન્નઇમાં એક સમયે વાવાઝોડાની ગતિ ૧૯૨ કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી. આ ચક્રવાતના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૦નાં મોત થયા હોવાનું નોંધાયું છે અને આ સંખ્યામાં વધારો થવાની શક્યતા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટે દર્શાવી છે. એસોચેમે રજૂ કરેલા એક અહેવાલ મુજબ વરદા વાવાઝોડામાં આશરે રૂ. ૬૭૪૯ કરોડનું જંગી નુકસાન થયું છે.
એસોચેમે રિપોર્ટમાં જણાવ્યું છે કે આ વાવાઝોડામાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થતાં વાહનો ઉપર પડ્યા છે. ઈમારતોને ભારે નુકસાન થયું છે અને કૃષિ સેક્ટરને ભારે પણ ઘણું નુકસાન થયાની સંભાવના છે. સોમવારે ચેન્નઈ શહેરમાં ઠેર ઠેર રસ્તા બ્લોક થઈ જતાં અને પાણી ભરાતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. બંને રાજ્યોના સંખ્યાબંધ જિલ્લામાં વીજપુરવઠો બંધ કરી દેવાયો હતો. એસોચેમના સેક્રેટરી જનરલ ડીએસ રાવતે ૧૩મીએ આપેલા અહેવાલમાં જણાવ્યું કે, આ વાવાઝોડાના લીધે આશરે એક અબજ ડોલર સુધીનું નુકસાન થઈ ચૂક્યું છે. સ્થાનિક માછીમારોના કારોબાર, ઇલેક્ટ્રીક પાવર સપ્લાયને પણ માઠી અસર થઈ છે.
સેનાની ત્રણેય પાંખ તૈનાત
વરદાના તોફાનને ધ્યાનમાં લઈને સેનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફોર્સને હાલમાં હાઈએલર્ટ પર મુકાઈ છે. અત્યાર સુધીમાં ૧૬૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડાયા છે. આ ઉપરાંત તમિળનાડુ અને આંધ્રપ્રદેશમાં એનડીઆરએફની ૧૯ ટીમ તૈનાત છે. નેવી દ્વારા લોકોને મદદ મેડિકલ ટીમ અને રાહત સામગ્રી સાથે બે યુદ્ધ જહાજો તૈનાત કરાયા છે અને તરવૈયાઓની ૨૨ ટીમો હાલમાં દક્ષિણ ભારતમાં રેસ્ક્યુ માટે તૈયાર રખાઈ છે.
મૃતકોના પરિજનોને રૂ. ૪ લાખની સહાય
તામિલનાડુના મુખ્ય પ્રધાન પનીરસેલ્વમે જાહેરાત કરી છે કે ચક્રવાતને કારણે જેમના મોત થયા છે તેમના પરિવારજનોને રાજ્ય આપદા કોષમાંથી રૂ. ૪ લાખની સહાય કરવામાં આવશે. આ ચક્રવાતના કારણે ચેન્નઈમાં ૪, કાંચીપુરમમમાં ૨, તિરુવલ્લૂરમાં ૨ અને વિલ્લૂપુરમ અને નાગાપટ્ટનમમાં એક-એક લોકોનું મૃત્યુ થયું છે.
રોજિંદો વ્યવહાર ઠપ્પ
ચેન્નઈ, કાંચીપુરમ, તિરુવલ્લૂરમાં તમામ શાળા કોલેજો, ખાનગી અને સરકારી ઓફિસો પણ ચક્રવાતની અસરના કારણે ૧૩મીએ પણ બંધ રખાયા હતા. તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડ્ડુચેરી અને કર્ણાટકના કેટલાક ભાગોમાં ૧૨મીથી બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી.
ચેન્નઈ એરપોર્ટ પર સેવા શરૂ
ચક્રવાદ વરદાના કારણે સોમવારે ચેન્નઈ એરપોર્ટ પર તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. જોકે ૧૩મી ડિસેમ્બરથી એરપોર્ટ પરની તમામ સેવાઓ શરૂ કરી દેવાઈ હતી.