તામિલનાડુમાં સત્તાવિરોધી મજબૂત લહેરે ડીએમકેના સ્ટાલિનનું સિંહાસન છીનવ્યું

Wednesday 06th May 2026 05:40 EDT
 
 

ચેન્નાઇઃ તામિલનાડુમાં ઇતિહાસ રચાયો છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા યુવા અભિનેતા વિજય એક શાંત લહેરની જેમ રાજકારણમાં આવ્યા છે, તેમણે ડીએમકેના ગઢને તોડી પાડ્યો છે અને ‘દ્રવિડ મોડેલ’ પર કબજો કર્યો છે. તેમની પાર્ટી, તમિલનાડુ વેત્રી કડ્ગમ (ટીવીકે)એ વિધાનસભા ચૂંટણીના માત્ર 10 મહિના પહેલા રાજ્યમાં ડીએમકે વિરુદ્ધ સત્તાવિરોધી લહેરનો અનુભવ કર્યો હતો. તે સમયે, ડીએમકેના વડા એમ.કે. સ્ટાલિન મહિલાઓ માટે પાત્રતા યોજના, વિદ્યાર્થિનીઓ માટે પુધુમઈ પેન યોજના અને શાળાના બાળકો માટે નાસ્તો યોજના જેવી સામાજિક વિકાસ પહેલ અમલમાં મૂકી રહ્યા હતા. જોકે, ઘણા મતવિસ્તારોમાં, જનતા ડીએમકે નેતાઓથી નાખુશ હતી. વિજયે આને એક તક તરીકે જોઈ.
ચેન્નાઈ સ્થિત વરિષ્ઠ રાજકીય વિશ્લેષક આર. રંગરાજ કહે છે કે રાજ્યના 50 ટકા મતદારો 40 વર્ષથી ઓછી ઉમરના છે, જેમણે પરંપરાગત દ્રવિડ પક્ષોના નવા વિકલ્પની જરૂર અનુભવી. તામિલનાડુના રાજકારણમાં સુપરસ્ટાર્સનું આગવું સ્થાન રહ્યું છે. 2024માં વિજયે ટીવીકેની રચના કરી. ત્યારબાદ, 27 સપ્ટેમ્બર 2025ના રોજ, કરુર રેલીમાં થયેલી ભાગદોડમાં 41 લોકોના મોત બાદ વિજયનું રાજકીય ભવિષ્ય જોખમમાં મુકાયું હતું. જોકે બાદમાં તેઓ દરેક પીડિતના ઘરે જઈને સાચા હીરો તરીકે ઉભરી આવ્યા.
વિજયની જ્વલંત જીતના ત્રણ કારણો
1) એમજીઆર 2.0નો જાદુઃ અન્નાદુરાઈ, કરુણાનિધિ અને એમ.જી. રામચંદ્રન (એમજીઆર)ના સમયથી, સ્ક્રીન હીરોને દેવતા બનાવવાની પરંપરા છે. વિજયે છેલ્લા બે દાયકામાં, ‘જોસેફ વિજય’થી ‘થલાપતિ’ સુધીની સફરને વોટ બેન્કમાં પરિવર્તિત કરી છે. તેમણે રાજકારણમાં સીધો પ્રવેશ કરીને પોતાની મસીહાની છબીનો લાભ લીધો.
2) યુવા મતદારોને એકત્ર કરવાઃ રાજ્યમાં જૂની પેઢી DMK અને AIADMK વચ્ચે વહેંચાયેલી હતી, ત્યારે યુવા પેઢી એવા ચહેરાની શોધમાં હતી જે તેમના સમય સાથે સુસંગત હોય. 18 થી 30 વર્ષની વયના મતદારો માટે વિજય ‘સમકાલીન’ નેતા હતા. વિજય મક્કલ ઇયક્કમ (ફેન ક્લબ) નેટવર્ક દ્વારા, વિજય સીધા આ યુવાનો સાથે જોડાયેલા હતા.
૩) દ્રવિડ એકાધિકાર વિરુદ્ધઃ 50 વર્ષથી AIADMK અને DMK વારાફરતી તમિલનાડુ પર શાસન કરતા હતા. જનતાનો એક વર્ગ ‘કંટાળ્યો’ હતો. લોકો એવા વિકલ્પની શોધમાં હતા જે ન તો ડીએમકેથી તૂટી ગયો હોય કે ન તો એઆઈએડીએમકેથી. વિજયે પોતાને એક ‘સ્વતંત્ર બળ’ તરીકે રજૂ કર્યા, જે નવી આશા આપે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter