તિરુપતિ ટ્રસ્ટ પાસે રૂ. 2.26 લાખ કરોડની જંગી સંપત્તિ

Wednesday 09th November 2022 06:57 EST
 
 

તિરુપતિઃ હિન્દુ મંદિરોમાં વિશ્વના સૌથી મોટા ટ્રસ્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ (ટીટીડી)ની સંપત્તિ આશરે રૂ. 2.26 લાખ કરોડ છે. આ ટ્રસ્ટ તિરુમાલા ખાતેના પ્રતિષ્ઠિત ભગવાન વેંકટેશ્વર મંદિર અને દેશભરમાં આશરે પાંચ ડઝન અન્ય મંદિરોનું સંચાલન કરે છે. ભગવાન વેંકટેશ્વર વિશ્વના સૌથી ધનિક હિન્દુ દેવતા પણ છે. 1933માં બ્રિટિશ સરકારે સ્થાપેલું તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ હવે દેશનું એક સૌથી વધુ પ્રોફેશનલ મંદિર ટ્રસ્ટો તરીકે ઉભર્યું છે.
શનિવારે ટ્રસ્ટના રોકાણ અને થાપણો પર શ્વેતપત્ર બહાર પાડ્યા પછી તેના એક્ઝિક્યુટિવ ઓફિસર એ. વી. ધર્મા રેડ્ડીએ જણાવ્યું હતું કે ‘મંદિર ટ્રસ્ટની કુલ સંપત્તિ આશરે રૂ. 2.26 લાખ કરોડ થઈ છે. 2019માં વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટના સ્વરૂપમાં ટીટીડીનું રોકાણ રૂ. 13,025 કરોડ હતું. કોવિડ-19 રોગચાળાના પડકારો છતાં આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં બેન્ક FDમાં ટ્રસ્ટનું રોકાણ વધી રૂ. 15,938 કરોડ થયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમે તમામ અવરોધો સામે બેંક એફડીમાં અમારા રોકાણમાં રૂ. 2,900 કરોડનો વધારો કરી શક્યા છીએ.’
ધર્મા રેડ્ડીએ જણાવ્યું હતું કે ‘મને હજુ પણ યાદ છે કે કોવિડ-19 રોગચાળા દરમિયાન કેટલાક સ્થાપિત હિતોએ ટીટીડીની નાણાકીય સુદ્ધરતા પર સવાલ ઉઠાવ્યા હતા અને જણાવતા હતા કે મંદિર ટ્રસ્ટ ફિક્સ ડિપોઝિટ તોડ્યા વિના કર્મચારીઓના પગાર ચૂકવી શકશે નહીં. પરંતુ આજે અમે આરામથી પગાર ચૂકવ્યા પછી અને અમારા તમામ ખર્ચને પહોંચી વળ્યા પછી એફડીમાં રૂ. 2900 કરોડનો વધારો કરી શક્યા છીએ જે ટીટીડીની નાણાકીય કુનેહ દર્શાવે છે.’
મંદિર ટ્રસ્ટ પાસે 10.25 ટન સોનું
બીજી તરફ મંદિર ટ્રસ્ટને ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષમાં ભક્તો તરફથી નોંધપાત્ર સોનાનું દાન મળતું રહ્યું છે. આજે કેન્દ્રની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં ટીટીડીની એકંદર સોનાની થાપણો 10.25 ટન છે. 2019માં ટીટીડી પાસે માત્ર 7.3 ટન સોનાની થાપણો હતી અને મંદિર ટ્રસ્ટ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં વધુ 2.9 ટન કિંમતી ધાતુનો ઉમેરો કરી શક્યું છે.
વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોમાં ટીટીડીની સોનાની થાપણોનું કુલ મૂલ્ય આશરે રૂ. 5,309 કરોડ છે. મંદિર ટ્રસ્ટને અત્યાર સુધી વ્યક્તિગત દાતાઓ પાસેથી જમીન દાનમાં મળતી હતી, પરંતુ હવે વિવિધ રાજ્ય સરકારો પણ ભગવાન વેંકટેશ્વર મંદિરોના નિર્માણ માટે પણ મૂલ્યવાન જમીનની ફાળવણી કરી રહી છે.
પ્રોપર્ટીનું મૂલ્ય રૂ. 85,705 કરોડ
આજે ટીટીડી પાસે દેશભરમાં 7,123 એકર જમીન પણ છે. ટીટીડીની પ્રોપર્ટીનું સબ-રજિસ્ટ્રાર મૂલ્ય રૂ. 85,705 કરોડ આંકવામાં આવ્યું છે, પરંતુ તેનું બજાર મૂલ્ય રૂ. 2 લાખ કરોડથી વધુ હોવાનો અંદાજ છે. તિરુમાલા અને તિરુપતીમાં ગેસ્ટ હાઉસ, કોટેજ, યાત્રાળુ સુવિધાઓ સંકુલ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના રૂપમાં બિલ્ડિંગો અને બીજી ફિકસ્ડ એસેટનુ મૂલ્ય અંદાજે રૂ. 5,000 કરોડ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter