તૃણમૂલ કોંગ્રેસ પક્ષ એક ને જૂથ ત્રણઃ મમતાની હકાલપટ્ટી, અભિષેક સસ્પેન્ડ

Thursday 25th June 2026 10:27 EDT
 
 

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ની અંદર ચાલી રહેલો સત્તાસંઘર્ષ વધુ ઘેરાયો છે. એક જ પક્ષ અત્યારે ત્રણ જૂથમાં વહેંચાઇ ગયો છે. પ્રથમ જૂથ મમતા બેનરજીના નેતૃત્વમાં મૂળ તૃણમૂલ કોંગ્રેસ છે. બીજું જૂથ બળવાખોર નેતા ઋતુવ્રત બેનરજીનું ‘અસલી ટીએમસી’ જૂથ છે, જે હવે વિધાનસભામાં મુખ્ય વિપક્ષ હોવાનો દાવો કરી રહ્યું છે. જ્યારે ત્રીજું જૂથ, લગભગ બે ડઝન લોકસભા સાંસદોનું કહેવાય છે. જેઓ કથિત રીતે નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા સાથે ભળી ગયા છે અને સંસદમાં એનડીએ સરકારને ટેકો આપી રહ્યા છે.
આ રાજકીય ખેંચતાણ વચ્ચે હવે પક્ષના ચૂંટણી ચિહ્ન અને કુલ 1,100 કરોડ રૂપિયાના ભંડોળને લઈને વિવાદ વધવાની શક્યતા છે. બળવાખોર સાંસદોએ સંકેત આપ્યો છે કે તેઓ પક્ષના પ્રતીક પર દાવો કરવા માટે સુપ્રીમ કોર્ટમાં જશે.
દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર જૂથના નેતા ધારાસભ્ય ઋતુવ્રત બેનરજી જૂથે પોતાને અસલ ટીએમસી ગણાવીને મોટો નિર્ણય કર્યો છે. આ જૂથે પક્ષના સ્થાપક તથા રાષ્ટ્રીય અધ્યક્ષ મમતા બેનરજીની પક્ષમાંથી હકાલપટ્ટી કરીને પક્ષના સેકન્ડ-ઈન-કમાન્ડ અભિષેક બેનરજીને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. રવિવારે ન્યૂ ટાઉનની એક હોટલમાં ઋતુવ્રત જૂથની બેઠક યોજાઈ હતી, જેમાં આ જાહેરાત કરાઇ હતી. જૂથનો દાવો છે કે 60 ધારાસભ્યો અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના 70 કાઉન્સિલરોએ બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં હાવડા સેન્ટ્રલના ધારાસભ્ય અરૂપ રોયને પક્ષના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા હતા.
ઋતુવ્રત બેનરજી જૂથનું કહેવું છે કે પક્ષમાં બંધારણીય કટોકટી હતી. તેમનો દાવો છે કે ટીએમસીના બંધારણ અનુસાર દર ત્રણ વર્ષે રાષ્ટ્રીય કારોબારીની રચના થવી જોઈએ. છેલ્લી વખત આ સમિતિની રચના ફેબ્રુઆરી 2022માં કરાઇ હતી અને તે પછી સંગઠનનું પુનર્ગઠન કરાયું નહોતું.
મમતાની આગેવાની હેઠળની ટીએમસીએ કથિત પક્ષવિરોધી પ્રવૃત્તિઓ માટે ઋતુવ્રતને હાંકી કાઢ્યાના થોડા દિવસો પછી આ ઘટનાક્રમ સામે આવ્યો છે. હવે, બળવાખોર જૂથે વળતો પ્રહાર કર્યો છે અને નવા સંગઠનની જાહેરાત કરી છે. આમ, હવે તૃણમૂલ કોંગ્રેસ ત્રણ ભાગમાં વહેંચાયેલી જણાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter