શ્રીનગરઃ પહલગામમાં ભીષણ આતંકી હુમલામાં માર્યા ગયેલા 26 પર્યટકોમાં 30 વર્ષીય કાશ્મીરી યુવક પણ સામેલ હતો, જેણે મહેમાન પર્યટકોના જીવ બચાવવાના પ્રયાસમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. સૈયદ આદિલ હુસૈન શાહ પ્રવાસીઓને ખચ્ચરોની સવારી કરાવતો હતો. ગયા મંગળવારે પણ દરરોજની જેમ તે પ્રવાસીઓને ફરવા લઈ જઈ રહ્યો હતો. ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. સૈયદે પોતાના સાથી પર્યટકોને બચાવવા માટે આતંકવાદીઓ સાથે બાથ ભીડી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુસૈને આતંકવાદીઓને કહ્યું હતું કે તેમને ના મારો. આ કાશ્મીરના મહેમાનો છે. આ લોકો નિર્દોષ છે. તેણે આતંકવાદીઓ પાસેથી હથિયાર છીનવી લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયો અને આતંકવાદીએ તેને ગોળી ધરબી દીધી. સૈયદ હુસૈન શાહે ત્યાં જ દમ તોડ્યો.
હુસૈનના પિતા સૈયદ હૈદર શાહે જણાવ્યું હતું કે મોટો દીકરો પરિવારનો એકમાત્ર કમાનાર સભ્ય હતો. હુસૈનના નાના ભાઈ સૈયદ નૌશાદે કહ્યું કે હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીના પુત્રએ મારા ભાઈની બહાદુરી વિશે જણાવ્યું. આતંકવાદીઓએ તેની છાતીમાં ત્રણ ગોળીઓ મારી. જ્યારે બહેન અસ્માએ કહ્યું કે સવારે મેં તેને રોક્યો હતો કે આજે કામ પર ના જઈશ કારણ કે તેને મનમાં અંદેશો હતો કે કંઈક અનર્થ થશે, પણ તેણે વાતને અવગણી હતી. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ગયા બુધવારે હુસૈનના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી.