નવી દિલ્હીઃ આ જળપ્રલયે ફરી વખત ભારત સહિત દુનિયાના તમામ દેશોને ગ્લોબલ વોર્મિંગની દિશામાં વિચાર કરવા મજબૂર કર્યા છે. ગ્લોબલ વોર્મિંગના કારણે હિમાલય, ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાના ગ્લેશિયર્સ સતત ઓગળી રહ્યા છે. ઈન્ટરગવર્ન્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જના અહેવાલ પ્રમાણે ગ્લેશિયર્સમાં બરફ ઓગળવાનું વધી રહેલું પ્રમાણ અનેક શહેરોમાં પૂર લાવશે જ્યારે દરિયાકિનારાના ઘણા શહેરો પાણીમાં ગરકાવ થઈ જશે તેવી સ્થિતિ ઊભી થશે. આ અહેવાલમાં કહેવાયું છે કે, ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાં જ દર વર્ષે ૪૦૦ બિલિયન ટન બરફ ઘટી રહ્યો છે. તેના કારણે સમુદ્રનું સ્તર વધી રહ્યું છે.
યુરોપના ૮૦ ટકા ગ્લેશિયર્સ ઓગળી જવાનો ખતરો
તજજ્ઞો માને છે કે, જે રીતે પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગમાં વધારો થઈ રહ્યો છે તે જોતાં ૨૧૦૦ના અંત સુધીમાં યુરોપના ૮૦ ટકા ગ્લેશિયર્સ પીગળી જાય તો નવાઇ નહીં. સમુદ્રની સપાટીમાં વધારો થવાના કારણે ૨૦૫૦ સુધીમાં ભારતના ઘણા શહેરો ઉપર જોખમ સર્જાય તેમ છે. તેમાં મુંબઈ અને કોલકાતા મોખરે છે. આ અહેવાલ પ્રમાણે ભારતના ચાર કરોડ લોકો ઉપર જોખમ આવી શકે તેમ છે.
આ ઉપરાંત નાસાના એક અહેવાલ પ્રમાણે કર્ણાટકનું મેંગ્લુરુ સૌથી વધુ જોખમ ધરાવતો પ્રદેશ બની શકે છે. આ સિવાય વિશ્વમાં જાકાર્તા, માલદીવ, શાંઘાઈ, ઢાકા, રંગૂન, બેંગકોક અને વિયેતનામનું ચી મિન્હ સિટી, હાઈફોંગ સૌથી વધારે પ્રભાવિત થઈ શકે છે.


