ત્રણ અદાલતોમાં ૧૩૪ વર્ષ સુધી સુનાવણી ચાલતી રહી

Tuesday 12th November 2019 15:07 EST
 
 

હિંદુ સંગઠનોએ ૧૮૧૩માં પહેલી વખત બાબરી મસ્જિદ પર દાવો કર્યો હતો. તેમનો દાવો છે કે અયોધ્યામાં રામમંદિર તોડીને બાબરી મસ્જિદ બનાવાઈ હતી. તેના ૭૨ વર્ષ બાદ આ કેસ પહેલી વખત કોઈ અદાલતમાં પહોંચ્યો હતો. મહંત રઘુબર દાસે ૧૮૮૫માં રામ ચબુતરા પર છત્રી લગાવવાની પિટિશન કરી હતી. જેને ફૈઝાબાદની જિલ્લા અદાલતે ફગાવી દીધી હતી. ૧૩૪ વર્ષથી ત્રણ અદાલતોમાં આ વિવાદ સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી બાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
અયોધ્યાનો શાબ્દિક અર્થ અજેય છે. અયોધ્યા પહેલા વૈષ્ણવ ઉપાસનાનું કેન્દ્ર રહ્યું હતું. પાંચમી સદીમાં અહીં ગુપ્ત વંશનું રાજ હતું.

મસ્જિદ ક્યારે બની?

મોટા ભાગના ઇતિહાસકારોના મતે ઝહીર-ઉદ્દ-દીન-મોહમ્મદ બાબર પાણીપત પહેલાં યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીને હરાવીને ભારત આવ્યો હતો. તેના કહેવાથી સુબેદાર મીર બાકીએ ૧૫૨૮માં અયોધ્યામાં મસ્જિદ બનાવી હતી. કેટલાક માને છે કે ઇબ્રાહીમ લોદીના શાસનકાળ (ઇસ્વી સન ૧૫૧૭-૨૬)માં જ મસ્જિદ બની ગઇ હતી.

વિવાદ આ રીતે શરૂ થયો...

૧૮૧૩માં પહેલી વખત હિંદુ સંગઠનોએ દાવો કર્યો છે કે, બાબરે ૧૫૨૮માં રામમંદિર તોડીને મસ્જિદ બનાવી હતી. એમ મનાય છે કે ફૈઝાબાદના અંગ્રેજ અધિકારીઓએ મસ્જિદમાંથી હિંદુ મંદિર જેવી કળાકૃતિઓ મળવાનો ઉલ્લેખ પોતાના રિપોર્ટમાં કર્યો એ પછી તે દાવો કરાયો હતો. પૂર્વ આઇપીએસ અધિકારી કિશોર કૃણાલે પોતાના પુસ્તક ‘અયોધ્યા રિવિઝિટેડ’માં આ ઘટનાનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે ૧૮૧૩માં મસ્જિદની શિલાલેખની સાથે જ્યારે છેડછાડ થઈ ત્યારથી એમ કહેવાયું છે કે મીર બાકીએ મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી. કૃણાલે પુસ્તકમાં લખ્યું છે કે મંદિર ૧૫૨૮માં નહોતું તોડાયું, બલકે ઔરંગઝેબ દ્વારા નિયુક્ત ફિદાયી ખાને ૧૬૬૦માં તોડી પાડ્યું હતું.

૧૮૫૫-૮૫ઃ અંગ્રેજોના રેકોર્ડમાં

હિન્દુઓના દાવા પછી વિવાદિત જમીન પર નમાજની સાથે સાથે પુજા પણ થવા લાગી હતી. ૧૮૫૩માં અવધના નવાબ વાજિદ અલી શાહના સમયે પહેલી વખત અયોધ્યામાં સાંપ્રદાયિક હિંસા ભડકી હતી. એ બાદ પણ ૧૮૫૫ સુધી બન્ને પક્ષો એક જ સ્થળે પૂજા પણ કરતા હતા અને નમાજ પણ પઢતા હતા.
૧૮૫૫ બાદ મુસ્લિમોને મસ્જિદમાં પ્રવેશની મંજૂરી મળી હતી, પરંતુ હિન્દુઓને મનાઈ ફરમાવાઇ હતી. આ સંજોગોમાં હિન્દુઓએ મસ્જિદના મુખ્ય ગૂંબજથી ૧૫૦ ફૂટ દૂર રામ ચબૂતરા પર પૂજા શરૂ કરી હતી. ૧૮૫૯માં બ્રિટિશ સરકારે અહીં તારની વાડ બનાવી દીધી. ૧૮૫૫થી ૧૮૮૫માં સુધી ફૈઝાબાદના અંગ્રેજ અફસરોના રેકોર્ડમાં વિવાદિત જમીન પર હિન્દુઓની ગતિવિધિ વધવાની કેટલીય ફરિયાદ મળી હતી.

૧૮૮૫થી ૧૯૮૭ઃ ફૈઝાબાદ કોર્ટમાં કેસ

• ૧૮૮૫ઃ પહેલી વખત આ બાબત અદાલતમાં ઉઠાવાઈ. ફૈઝાબાદની કોર્ટમાં મહંત રઘુબર દાસે રામ ચબૂતરા પર છત્રી લગાવવાની અરજી કરી હતી, જે ફગાવી દેવાઈ હતી.
• ૧૯૩૪ઃ અયોધ્યામાં રમખાણ ફાટી નીકળ્યા હતા. બાબરી મસ્જિદનો કેટલોક હિસ્સો તોડી નંખાયો હતો. વિવાદિત સ્થળે નમાજ પઢવાનું બંધ થયું.
• ૧૯૪૯ઃ મુસ્લિમ પક્ષનો દાવો છે કે, બાબરી મસ્જિદની મધ્યે આવેલા ગુંબજની નીચે હિંદુઓએ રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરી દીધી. તેના સાત દિવસ બાદ જ ફૈઝાબાદ કોર્ટે મુખ્ય દરવાજે તાળું મારી દીધું.
• ૧૯૫૦ઃ હિંદુ મહાસભાના વકીલ ગોપાલ વિશારદે ફૈઝાબાદ જિલ્લા કોર્ટમાં અરજી કરીને રામલલ્લાની મૂર્તિની પૂજાનો અધિકાર આપવા માગણી કરી.
• ૧૯૫૯ઃ નિર્મોહી અખાડાએ વિવાદિત સ્થળે માલિકી હકનો દાવો કર્યો.
• ૧૯૬૧ઃ સુન્ની વકફ બોર્ડ (સેન્ટ્રલ)એ મૂર્તિ સ્થાપિત કરાયાની વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી. મસ્જિદ અને આસપાસની જમીન પર હકનો દાવો કર્યો.
• ૧૯૮૬ઃ ફૈઝાબાદ કોર્ટે બાબરી મસ્જિદનું તાળું ખોલવાનો આદેશ આપ્યો.
• ૧૯૮૭ઃ ફૈઝાબાદ જિલ્લા કોર્ટમાંથી આખો કેસ અલ્લાહાબાદ હાઇ કોર્ટને ટ્રાન્સફર થયો.

૨૦૧૦માં હાઇ કોર્ટનો ચુકાદો

અલ્લાહાબાદ હાઇ કોર્ટે ૨૦૧૦માં ચુકાદો આપતાં વિવાદિત સ્થળને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લાની વચ્ચે ત્રણ હિસ્સામાં સરખા ભાગ વહેંચી દીધા. આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો.

સુપ્રીમ કોર્ટમાં સતત ૪૦ દિવસ સુનાવણી

૨૦૧૧માં સુપ્રીમ કોર્ટે અલ્લાહાબાદ હાઇ કોર્ટના ચુકાદા સામે સ્ટે આપ્યો. સુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં આ વિવાદ સાથે જોડાયેલી તમામ અરજીઓ પર સુનાવણી શરૂ કરી. છઠ્ઠી ઓગસ્ટ ૨૦૧૯થી સુપ્રીમ કોર્ટમાં આ વિવાદ પર સતત ૪૦ દિવસ સુનાવણી ચાલી. ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ના દિવસે અંતિમ સુનાવણી બાદ પાંચ જજોની બંધારણીય બેન્ચે ચુકાદો અનામત રાખ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter