ત્રણ દાયકામાં ઉત્તરાખંડમાં આવેલી મોટી કુદરતી આપત્તિ
• ૧૯૯૧ - ઉત્તરકાશીમાં ભૂકંપ: ઓક્ટોબર ૧૯૯૧માં ઉત્તરકાશીમાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં ૭૬૮ લોકોનાં મોત થયાં હતાં. હજારો પરિવારોનાં મકાન તબાહ થઈ ગયાં હતાં અને લોકો રસ્તા ઉપર આવી ગયા હતા.
• ૧૯૯૮ - માલ્પામાં લેન્ડ સ્લાઈડ: માલ્પા પિથૌરાગઢ જિલ્લાનું નાનકડું ગામ છે, જ્યાં વિશાળ લેન્ડસ્લાઈડ થઈ હતી. આ દુર્ઘટનામાં ૨૫૫ લોકોનાં મોત થયાં હતાં. તેમાંથી ૫૫ કૈલાશ માનસરોવરના યાત્રીઓ હતા.
• ૧૯૯૯ - ચમોલીમાં ભૂકંપ: ચમોલીમાં ૬.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ૧૦૦ લોકોનાં મોત થયાં હતાં. રુદ્રપ્રયાગમાં ખૂબ જ મોટા પાયે નુકસાન થયું હતું.
• ૨૦૧૩ - કેદારનાથમાં પૂર: વાદળ ફાટવા અને ગ્લેશિયર તૂટવાના કારણે જૂન ૨૦૧૩માં કેદારનાથમાં ભયાનક પૂર આવ્યું હતું. તેમાં ૫૦૦૦થી વધારે લોકોનાં મોત થયાં હતાં. આ દરમિયાન ત્રણ લાખ કરતાં વધારે લોકો અટવાઈ ગયા હતા અને મહિનાઓ સુધી સ્થિતિ થાળે પડી નહોતી.
૨૦૧૩માં ગ્લેશિયર ફાટવાના અને વાદળ ફાટવાના કારણે ભયાનક જળ પ્રલય આવ્યો હતો. રુદ્રપ્રયાગ, ચમોલી, ઉત્તરકાશી, બાગેશ્વર, પિથૌરાગઢમાં ૧૩ નેશનલ હાઈવે, ૩૫ સ્ટેટ હાઈવે, ૨૩૮૫ જિલ્લા અને સ્થાનિક રસ્તા, ૧૭૨ નાના-મોટા પુલ બધું જ ભૂસ્ખલન અને વરસાદી પૂરમાં નષ્ટ થઈ ગયા હતા. ૪૨૦૦થી વધુ ગામડાં સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો.


