નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાષ્ટ્રજોગ સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચવા ખેંચવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ત્રણેય કાયદાના વિરોધમાં અનેક રાજ્યોના ખેડૂતો વીતેલા એક વર્ષથી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા હતા. ૧૭ સપ્ટેમ્બરે લોકસભામાં પસાર થયેલા ત્રણેય કૃષિ કાયદા શું હતા અને તે મુદ્દે વિવાદ કેમ સર્જાયો તેના પર એક નજર નાખીએ.
(૧) આવશ્યક વસ્તુ (સુધારા) કાયદો, ૨૦૨૦
આ કાયદામાં અનાજ, દાળ, તેલીબિયાં, ખાદ્યતેલ, બટાટા, ડુંગળી જેવી વસ્તુને આવશ્યક ચીજવસ્તુની યાદીમાંથી દૂર કરવા પ્રયાસ થયો હતો. એવી ધારણા થઈ રહી હતી કે, કાયદાની આ જોગવાઈને પગલે બજારમાં સ્પર્ધા વધતાં ખેડૂતોને યોગ્ય મૂલ્ય મળશે. ઉલ્લેખનીય છે કે, ૧૯૫૫માં આ કાયદામાં સુધારો થયો હતો. કાયદાનો મુખ્ય ઉદ્દેશ આવશ્યક વસ્તુની સંગ્રહખોરી રોકવા માટે તેના ઉત્પાદન, સપ્લાય અને કિંમતોને નિયંત્રણમાં રાખવા. મહત્ત્વની વાત એ છે કે સમયાંતરે આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાંથી અનેક જરૂરી ચીજવસ્તુને સામેલ કરાઇ હતી. જેમ કે, કોરોનાકાળમાં માસ્ક અને સેનિટાઇઝરને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.
(૨) કૃષિ ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) કાયદો, ૨૦૨૦
કાયદા હેઠળ ખેડૂત એપીએમસી અર્થાત કૃષિ ઉત્પાદન બજાર સમિતિ બહાર પણ પોતાના ઉત્પાદન વેચી શકે છે. કાયદા હેઠળ કહેવાયું હતું કે, દેશમાં એવી ઇકોસિસ્ટમ બનાવાશે કે જ્યાં ખેડૂતો અને વેપારીઓને બજાર બહાર ખેતપેદાશ વેચવા આઝાદી રહેશે. કાનૂની જોગવાઈમાં રાજ્યની અંદર અને બે રાજ્યોની વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવાની વાત હતી. સાથે જ માર્કેટિંગ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટાડવાની પણ વાત હતી. ખેડૂતો કે તેમના ખરીદારોને બજારમાં કોઈ ફી કે સેસની ચૂકવણી પણ કરવાની નહોતી.
(૩) ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર કાયદો, ૨૦૨૦
કાયદાનો ઉદ્દેશ ખેતપેદાશની નિશ્ચિત કિંમત ખેડૂતોને અપાવવાનો હતો. તે કાયદા હેઠળ ખેડૂત પાકનું વાવેતર કરતાં પહેલાં જ કોઈક વેપારી સાથે સમજૂતી કરી શકતો હતો. તે સમજૂતીમાં પાકની કિંમત, પાકની ગુણવત્તા, માત્રા, ખાતર વગેરેના ઉપયોગ સહિતની બાબતો સામેલ હતી. કાયદા મુજબ ખેડૂતને પાકની ડિલિવરી સમયે બે તૃતિયાંશ રકમની ચુકવણી કરવાની રહેતી હતી અને બાકીની રકમની ચુકવણી ૩૦ દિવસમાં થવાની હતી. જોગવાઈ હતી કે, ખેતરમાંથી પાકનો ઉપાડ કરવાની જવાબદારી વેપારીની હતી. કોઈક પક્ષ સમજૂતી તોડે તો તેના પર દંડની પણ જોગવાઈ હતી. કાયદો ખેડૂતોને ઉત્પાદનના વેચાણ, ફાર્મ સેવાઓ, પ્રોસેસર્સ, મોટા રિટેલ વેપારીઓ અને નિકાસકારો સાથે જોડાવા માટે સશક્ત કરત.
તો પછી વિરોધ શા માટે હતો?
ખેડૂત સંગઠનોનો આરોપ હતો કે, નવો કાયદો અમલી થતાં કૃષિ ક્ષેત્ર મૂડીપતિઓ કે કોર્પોરેટ ગૃહોના હાથમાં જતું રહેશે અને ખેડૂતોને નુકસાન થશે. નવા કાયદા મુજબ સરકાર આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાના કિસ્સામાં અસાધારણ સ્થિતિમાં નિયંત્રણ કરત. નિયંત્રણના પ્રયાસ દુષ્કાળ, યુદ્ધ, કિંમતમાં અભૂતપૂર્વ વધારા કે કુદરતી સંકટ સમયે કરાત. ફળ-શાકભાજીની કિંમતો ૧૦૦ ટકાથી વધુ વધી જાય કે ખરાબ ના થનારી ખાદ્ય સામગ્રીની કિંમતોમાં ૫૦ ટકાથી મોટો ઉછાળો આવે તો સરકાર આદેશ જારી કરત. ખેડૂતોનું કહેવું છે કે, કાયદામાં કહેવાયું નથી કે ખેતીવાડી બજાર બહાર ખેડૂતોને લઘુતમ વેતન મળશે કે નહીં. આમ કોઈક પાકનું ઉત્પાદન વધી જતાં ખેડૂતો વેપારીઓને ઓછી કિંમતે ઊપજ વેચવા મજબૂર થઈ જાત. ત્રીજું કારણ એ પણ હતું કે, સરકાર પાકના સ્ટોરેજ માટે મંજૂરી તો આપી રહી હતી પરંતુ ખેડૂતો પાસે એટલા સંસાધનો હોતા નથી.