નવી દિલ્હીઃ મોદી સરકારનાં બીજા કાર્યકાળમાં દ. ભારતમાં નવી શિક્ષણ નીતિમાં ત્રણ ભાષાની ફોર્મ્યુલા વિવાદાસ્પદ બની હતી. હિન્દીને ફરજિયાત ભાષા તરીકે શીખવાના તેમજ ઉપયોગ કરવાના મુદ્દે દક્ષિણ ભારતનાં રાજ્યોમાં વિરોધનો વંટોળ જાગ્યો હતો. આ પછી સરકારે તેમાં પીછેહઠ કરવાની ફરજ પડી હતી. સોમવારે નવી શિક્ષણ નીતિનાં ડ્રાફ્ટમાં સુધારો કરાયો હતો અને હિન્દી ભાષાનો ઉપયોગ અને શીખવાનું હવે ફરજિયાત રહેશે નહીં તેવી સ્પષ્ટતા કરાઈ હતી. અગાઉ નીતિમાં ત્રણ ભાષાની ફોર્મ્યુલા હતી જેમાં પોતાની માતૃભાષા, સ્કૂલની ભાષા અને ત્રીજી ભાષા તરીકે હિન્દી શીખવું ફરજિયાત બનાવાયું હતું. જેને કારણે દક્ષિણનાં રાજ્યોમાં રોષ ફેલાયો હતો. હવે હિન્દીને ફરજિયાત બનાવતી જોગવાઈ તેમાંથી હટાવાઈ છે. સોમવારે સવારે જ ડ્રાફ્ટમાં ફેરફાર કરાયો હતો જેમાં ફ્લેક્સિબલ શબ્દનો ઉપયોગ કરાયો હતો.

