નવી દિલ્હીઃ ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ ચંદ્રયાન-3 અંતરિક્ષ યાનની બીજી ભ્રમણકક્ષા વધારવાની પ્રક્રિયા એપોગી ફાયરિંગમાં સફળતા હાંસલ કરી છે. હવે અંતરિક્ષ યાન 41,903 કિલોમીટર X 226 કિલોમીટરની કક્ષામાં છે. ચંદ્ર પર ચંદ્રયાન-3 મિશન ગયા શુક્રવારે જુલાઇએ લોંચ કરવામાં આવ્યું છે. આમ તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ચાર દિવસમાં કપાઇ શકે પરંતુ તેના માટે ભારે રોકેટ જોઇએ અને 1000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવો પડે. આના બદલે ઇસરોનું મિશન પૃથ્વીની ગ્રેવિટીનો ઉપયોગ કરીને રોકેટને ધરતીની ચારેતરફ ઘુમાવીને ચંદ્ર તરફ આગળ ધકેલી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે ‘ચંદ્રયાન-3એ ભારતની અંતરિક્ષ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો છે. આ દરેક ભારતીયના સપના અને મહત્વાકાંક્ષાની ઉડાન છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ અમારા વિજ્ઞાનીઓના અથાગ સમર્પણનો પૂરાવો છે. હું તેમની ભાવના અને પ્રતિભાને સેલ્યુટ કરું છું.’
‘સફળ ઉતરાણ માટે શુભેચ્છા આપો’
ચંદ્રયાન-3ના સફળ લોન્ચિંગ બાદ એસ. સોમનાથે જણાવ્યું હતું કે ‘રોકેટે ચંદ્રયાન-3ને સચોટ કક્ષામાં પહોંચાડ્યું છે. હવે તમે બધા શુભેચ્છાઓ આપો કે આગામી દિવસોમાં ચંદ્ર પર ઉતરે. છેલ્લા 73 દિવસમાં મિશનથી જોડાયેલા દરેક વિજ્ઞાનીઓ દિવસ-રાત ચંદ્રયાન-3ના અલગ અલગ હિસ્સાને જોડીને ફ્રેમ બનાવવામાં વ્યસ્ત હતા. ઘરે જવાની તક માત્ર એકલ-દોકલને જ મળી છે. આ સફળ લોન્ચિંગ આ લોકોના જ સમર્પણ, ચાતુર્ય અને મહેનતનું પરિણામ છે. ટીમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર પી. વીરામૃત્યુવલ ઉપરાંત 29 એસોસિએટ અને ડેપ્યુટી ડાયરેક્ટર હતા. 55 પ્રોજેક્ટ મેનેજર હતા. એસોસિયેટ ડાયરેક્ટર વી. કલ્પનાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. આથી જ ચંદ્રયાનના સફળ લોન્ચિંગ બાદ સોમનાથે તેમને મંચ પર બોલાવ્યા હતા, જેથી ચંદ્રયાન-૩માં મહત્વની ભૂમિકાવાળા આ મહિલા વિજ્ઞાનીને દેશવાસીઓ ઓળખી શકે.
ભારત વિશ્વનો ચોથો દેશ બનશે
દેશના ત્રીજા મૂન મિશન ‘ચંદ્રયાન-3’ને ઇસરોએ શુક્રવારે સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આ ઐતિહાસિક ક્ષણને સમગ્ર દેશે વધાવી લીધી હતી. આશરે 41 દિવસના પરિભ્રમણ બાદ તે 23 કે 24 ઓગસ્ટના દિવસે ચંદ્રયાનના લેન્ડર અને રોવર ચંદ્રના સાઉથ પોલ પર ઉતરશે. આ બન્ને 14 દિવસ સુધી ચંદ્ર પર પ્રયોગો કરશે. ચંદ્રયાનનું લોન્ચિંગ સફળ રહ્યું તો તે અમેરિકા, રશિયા અને ચીન પછી આ સિદ્ધિ હાંસલ કરનાર ચોથો દેશ બની જશે. ચંદ્રયાનને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિતિ સતીષ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાયું હતું. વિજ્ઞાનીઓનું લક્ષ્ય ચંદ્રની સપાટી પર લેન્ડરનું ‘સોફ્ટ લેન્ડિંગ’ કરાવવાનું છે. ચંદ્રયાન-3 સ્પેસક્રાફ્ટના ત્રણ લેન્ડર/રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. ઇસરો ચીફ એસ. સોમનાથે લોન્ચિંગ પછી કહ્યું કે ચંદ્રયાન-3એ ચંદ્ર પર તેની યાત્રા શરૂ કરી દીધી છે. તેના પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રના ભ્રમણકક્ષામાં રહીને ધરતીમાંથી આવનાર રેડિએશનનો અભ્યાસ કરશે. મિશન થકી ઇસરો તપાસ કરાવશે કે ચંદ્રની સપાટી કેટલી સિસ્મિક છે. આની સાથે જ ચંદ્રની માટી અને ધૂળનો પણ અભ્યાસ કરાશે.
મિશન કન્ટ્રોલ સેન્ટરની અંદર રહેલા વિજ્ઞાનીઓ એકશ્વાસે ચંદ્રયાનને રોકેટમાંથી છૂટતા જોઇ રહ્યા હતા. લોન્ચિંગના આશરે 16 મિનિટ બાદ રોકેટમાંથી છૂટું થતાં જ તમામે ચિચિયારી પાડીને અને એકબીજાને અભિનંદન આપીને એ ક્ષણને વધાવી લીધી હતી.
હાલના મિશનમાં વિજ્ઞાની પ્રયોગો હાથ ધરવા માટે સાઉથ પોલની પસંદગી કેમ કરાઇ હતી તેવા સવાલના જવાબમાં સોમનાથે ઉમેર્યું હતું કે ‘અમારો ચંદ્રની સપાટી પર તમામ ભૌગોળિક, રસાયણિક લક્ષણોની ચકાસણીનો હેતુ છે. સાઉથ પોલનો અભ્યાસ હજુ ચકાસાયો નથી.’ લોન્ચિંગ વેળાએ હાજર રહેલા રાજ્યકક્ષાના સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે આ મૂન મિશનને ભારત માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. મિશન ડિરેક્ટર એસ મોહન કુમારે જણાવ્યું હતું કે LVM3 રોકેટ ઇસરોનું સૌથી વિશ્વસનીય હેવી લિફ્ટ વ્હિકલ ફરી સાબિત થયું છે.
ચંદ્રયાન-3 એટલું મહત્વપૂર્ણ કેમ છે?
ચંદ્રયાન-3નું મિશન માત્ર ભારત માટે પરંતુ સમગ્ર દેશના વિજ્ઞાની સમુદાય માટે મહત્વપૂર્ણ છે. આ લેન્ડર જેની અત્યારસુધી કોઇ માહિતી નથી ચંદ્રની તે સપાટી સુધી જશે. આમ આ મિશનથી પૃથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્ર અંગે માહિતી વધુ વધશે. આનાથી માત્ર ચંદ્ર અંગે જ નહિ અન્ય ગ્રહો અંગે પણ ભવિષ્યમાં અંતરિક્ષ સંશોધનની ક્ષમતા વિકસિત થશે.
111માંથી માત્ર 62 મૂનમિશન સફળ
અમેરિકી અવકાશ સંસ્થા નાસાની વિગતો મુજબ 1958થી લઈને 2023 સુધીમાં વિવિધ દેશોના કુલ 111 ચન્દ્ર મિશન રવાના થયાં છે. 65 વર્ષમાં કુલ 62 મિશનો જ સફળ રહ્યાં છે. એ ઉપરાંત 8 મિશન એવાં છે જે આંશિક સફળ રહ્યા છે. 1958ની 17 ઓગસ્ટે અમેરિકાએ ચન્દ્ર ૫૨ પહેલું પાયોનિર-ઓ મિશન રવાના કર્યું હતું. એ મિશન જોકે નિષ્ફળ હતું. પ્રથમ સફળ મિશન 2 જાન્યુઆરી, 1959માં રશિયાએ મોકલેલું લુના-1 હતું. ચન્દ્ર પર પ્રથમ સોફ્ટ લેન્ડિંગ 1966માં થયું હતું.
સમાનવ અવકાશયાત્રાની દિશામાં આગેકૂચ
ચન્દ્રયાન-3 લોન્ચ કરવા માટે ભારતે LMV-૩ રોકેટનો ઉપયોગ કર્યો છે. તેનાથી જ ભારત આગામી વર્ષે સમાનવ અવકાશયાત્રા યોજશે. આ સમાનવ અવકાશ મિશનને ગગનયાન નામ અપાયું છે. આગામી વર્ષે લોન્ચ ગગનયાન મિશન માટે 44.3 મીટર ઊંચું રોકેટ વપરાશે. આ રોકેટ ચાર વખત સફળ રીતે લોન્ચ થયું છે અને સમાનવ અવકાશયાત્રાના પડકારોને પહોંચી વળવા સક્ષમ છે. સમાનવ યાત્રા માટે જ આ રોકેટને અલગ નામ અપાયું છે. ગગનયાન મિશનમાં ચાર હજાર કિલોગ્રામ વજનનું ક્રૂ મોડ્યુલ ઓર્બિટ સુધી જશે. ઊંચે જનારા એ ક્રૂ મોડ્યુલમાં જ ભારતના ત્રણ અવકાશયાત્રી હશે.


