મુંબઈઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની બહેન હસીના પારકરનું નાગપાડામાં આવેલું ઘર પહેલી એપ્રિલે લિલામ થયું છે. સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સ્ચેન્જ મેનિપ્યુલેટર્સ એક્ટ હેઠળ નાગપાડા ગાર્ડન હોલ એપાર્ટમેન્ટના ગાર્ડન હોલના ફ્લેટને લિલામ કરી રૂ. ૧.૮૦ કરોડમાં વેચવામાં આવ્યો છે. કથિત રીતે દાઉદ પણ ભારતથી નાસી જતા પહેલા અહીં જ રહેતો હતો. ફ્લેટની બેઝ કિંમત રૂ. ૧.૬૯ કરોડ રખાઈ હતી. આમ બેઝ પ્રાઈઝથી બહુ જ મામૂલી રકમ વધીને ફ્લેટ વેચાયો હતો.
૨૦૧૪માં હસીના પારકરનું મૃત્યુ થયું ત્યાં સુધી એ આ જ ફ્લેટમાં રહેતી હતી. એ પછી દાઉદ અને તેનો નાનો ભાઈ ઇકબાલ કાસકર પણ આ ફ્લેટમાં રહેતો હતો. ૨૦૧૭માં ખંડણી પ્રકરણમાં થાણે ખંડણી વિરોધી મથકે તેની ધરપકડ કરી હતી. સીબીઆઈએ ૧૯૯૭માં દાઉદના ઘર પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેના ગાર્ડન હોલના આ ફ્લેટને ટાંચમાં લીધા બાદ તેના લિલામ માટે ૨૮ માર્ચ સુધી અરજીઓ મગાવી હતી અને અંતે ફલેટ રૂ. ૧.૮૦ કરોડમાં વેચાયું છે.