દાઉદી વ્હોરા સમુદાયને મોદીએ કહ્યુંઃ હું તમારા પરિવારનો સભ્ય

Wednesday 15th February 2023 14:14 EST
 
 

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઇ ખાતે દાઉદી વ્હોરા સમાજની અલ જામીયા-નુસ-સૈફિયા અરેબિક એકેડમીનું ઉદ્દઘાટન કર્યુ હતું. વડા પ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે તેઓ આ સંસ્થાના ઉદઘાટન સમારંભમાં વડા પ્રધાન તરીકે નહીં પરંતુ પરિવારના સભ્ય તરીકે હાજરી આપી રહ્યા છે.
શુક્રવારે મોદીની મુંબઇની એક દિવસની મુલાકાત દરમિયાન યોજાયેલા આ ઉદઘાટન કાર્યક્રમને સંબોધતા વડા પ્રધાને કહ્યું હતું કે તેઓ પેઢીઓથી દાઉદી વ્હોરા સમુદાય સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું હતું કે હું આ કાર્યક્રમમાં વડા પ્રધાન તરીકે નહીં, પરંતુ પરિવારના એક સભ્ય તરીકે આવ્યો છું. હું વહોરા સમાજ સાથે ચાર પેઢીથી જોડાયેલો છું, ચારેય પેઢી મારા ઘરે આવી ચૂકી છે. તમારી પાસે આવવાથી એમ લાગે છે કે જાણે હું પરિવારમાં આવ્યો છું. મેં તમારો વીડિયો જોયો. તમે મને વારંવાર વડા પ્રધાન કે મુખ્ય પ્રધાન તરીકે સંબોધ્યો. હું અહીં પીએમ કે સીએમ તરીકે નહીં, પરંતુ તમારા પરિવારના સભ્ય તરીકે આવ્યો છું. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મારી પાસે એવું કંઇક છે જે ઘણા ઓછા લોકો પાસે છે.
વ્હોરા સમુદાયની પ્રસંશા કરતા વડા પ્રધાન મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે તેઓ હંમેશા વિકાસ માટે ઊભા રહ્યા છે. આજે અલ જામીયા-નુસ-સૈફિયાહનું ઉદ્ઘાટન એ બદલાતા સમયની સાથે વિકાસનું પ્રતીક છે. જ્યારે પણ મહેચ્છાઓ પાછળ સારો આશય હોય, ત્યારે પરિણામ હંમેશાં સકારાત્મક જ આવે છે.
મહારાષ્ટ્રમાં બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી
મોદીએ મહારાષ્ટ્રનાં મુંબઈમાં બે વંદે ભારત ટ્રેને લીલી ઝંડી દર્શાવી વિદાય આપી હતી. બે ટ્રેન પૈકી એક મુંબઈથી સોલાપુર અને બીજી મુંબઈથી શીરડી સુધી જશે. તેમણે કહ્યું કે આને કારણે રાજ્યમા પર્યટન સુવિધા તેમજ તીર્થ યાત્રાને વેગ મળશે. દેસનાં 108 જિલ્લાને વંદે ભારત ટ્રેનથી જોડવામાં આવ્યા છે.
બજેટે મધ્યમ વર્ગને મજબૂત કર્યો મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે આ વર્ષના કેન્દ્રીય બજેટે મધ્યમ વર્ગને મજબૂત બનાવ્યો છે અને તેને યુપીએ સરકારની તુલનામાં વધારે રાહત પ્રદાન કરી શકે છે. યુપીએ સરકાર જે આવક પર20 ટકા ટેક્સ લાદતી હતી. તે આવક પર આ બજેટમાં શૂન્ય ટેક્સ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter