દાર્જિલિંગમાં મમતા બેનરજી સામે ગોરખા જનમુક્તિ મોરચાનું હિંસક આંદોલન

Friday 09th June 2017 06:51 EDT
 
 

કોલકાતા: પશ્ચિમ બંગાળનાં દાર્જિલિંગમાં આઠમી જૂને ગોરખા જનમુક્તિ આંદોલન હિંસક બનતાં સૈન્ય તૈનાત કરવું પડયું હતું. પશ્ચિમ બંગાળમાં બંગાળી ભાષા ભણવી ફરજિયાત કરાતાં ગોરખા જનમુક્તિ મોરચાએ નવમીથી અનિશ્ચિત મુદતની હડતાળનું એલાન આપી દીધું છે. આઠમીએ મોરચાના કાર્યકરોએ સંખ્યાબંધ વાહનોને આગ ચાંપતાં સ્થિતિ સ્ફોટક બની હતી. આંદોલનકારીઓ પર અશ્રુવાયુ છોડી રહેલી પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો. હજારો આંદોલનકારીઓની ભીડને જોતાં સ્થાનિક વહીવટીતંત્રને સૈન્ય બોલાવવાની ફરજ પડી હતી. ભાનુભવન નજીક ગોરખા જનમુક્તિ મોરચાએ અલગ ગોરખા રાજ્યની માગણી સાથે રેલીનું આયોજન કર્યું હતું. મમતા બેનરજીએ ૪૫ વર્ષ પછી પહેલીવાર દાર્જિલિંગમાં કેબિનેટની બેઠક બોલાવી હતી. બેઠકથી ૫૦૦ મીટરને અંતરે જ હિંસા ભડકી હતી.

વર્ષ ૨૦૧૧માં પશ્ચિમ બંગાળમાં સત્તાનાં સુકાન સંભાળ્યા પછી મમતા બેનરજીએ કોઈ ઘટનાને અંકુશમાં લેવા પહેલીવાર સૈન્ય બોલાવ્યું હતું. મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ગયા સપ્તાહે પશ્ચિમ બંગાળની શાળાઓમાં દશમા ધોરણ સુધી ફરજિયાત બંગાળી ભાષા ભણાવવાના નિર્ણયની જાહેરાત કરતાં દાર્જિલિંગમાં વિરોધ શરૂ થયો હતો. મમતા બેનરજી કેબિનેટની બેઠક પૂરી કરીને બહાર આવતાં જ તેમનો વિરોધ થવા લાગ્યો હતો. સૂત્રોચ્ચાર થયા હતા. દેખાવકારોએ મુખ્ય પ્રધાનનાં પૂતળાદહનનો પ્રયાસ કર્યો હતો. પોલીસે લોકોને દહન કરતાં રોકતાં લોકો હિંસક બની ગયા હતા. પોલીસ પર પથ્થરમારો થવા લાગ્યો હતો. પોલીસે આંદોલનકારીઓ પર લાઠીમાર અને અશ્રુવાયુના ટેટા ઝીંક્યા હોવા છતાં આંદોલનકારીઓ ઉગ્ર થતા રહ્યા હતા.

ગોરખા મુક્તિ મોરચાની માગણીઓ

ગોરખા જનમુક્તિ મોરચો માગણી કરી રહ્યો છે કે તેમના પ્રદેશમાં નેપાળી ભણાવવામાં આવે, જરૂરી હોય તો હિન્દી ભણાવવામાં આવે, પરંતુ ગોરખા સમુદાય બંગાળી ભાષાને ફરજિયાત કરવાના મમતા બેનરજીની રાજ્ય સરકારના નિર્ણયની વિરુદ્ધમાં છે. સંગઠનના હજારો સમર્થક કાળા ધ્વજ સાથે રસ્તા પર ઊતરી પડયા હતા.

૪૫ વર્ષ પછી કેબિનેટની બેઠક

દાર્જિલિંગ વિસ્તારનાં મહત્ત્વને આંકતાં મમતા બેનરજીએ ૪૫ વર્ષ પછી પહેલીવાર દાર્જિલિંગમાં કેબિનેટ બેઠક યોજી હતી, પરંતુ એક તરફ કેબિનેટની બેઠક ચાલી રહી હતી અને તેનાથી ૫૦૦ મીટરને અંતરે જ હિંસા ઉત્તરોત્તર વધી રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter