દિલ્હી - બેંગ્લૂરુ - વારાણસી એરપોર્ટ પર હવે તમારો ચહેરો જ બોર્ડિંગ પાસ!

Wednesday 07th December 2022 04:08 EST
 
 

નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દેશમાં ડિજિયાત્રા સુવિધાનો આરંભ કર્યો છે. આ સુવિધા હેઠળ દેશના પાટનગરમાં એરપોર્ટ પર ચહેરાની ઓળખની પ્રણાલીના આધાર પર એર પેસેન્જર્સને પ્રવેશની અનુમતિ મળી જશે. ડિજિયાત્રા સુવિધાના આરંભ સાથે એરપોર્ટ્સ પર પ્રવાસીઓને પેપરલેસ પ્રવેશ મળશે. સુરક્ષા તપાસ સહિતના વિવિધ ચેકપોઇન્ટ પર ચહેરાની ઓળખના આધારે પ્રવાસી ડેટાને ઓટોમેટિક રીતે અપડેટ કરી શકાશે.
પહેલી ડિસેમ્બરથી દિલ્હી ઉપરાંત વારાણસી અને બેંગલૂરુ એરપોર્ટ પર પણ ડિજિયાત્રાની સુવિધાનો આરંભ કરાયો છે. આ સર્વિસનો લાભ લેવા માટે પ્રવાસીએ આધાર કાર્ડ આધારિત વેરિફિકેશન અને એક સેલ્ફ ઇમેજ કેપ્ચરનો ઉપયોગ કરીને ડિજિયાત્રા એપ પર પોતાની વિગત નોંધવી પડશે. તે પછીના તબક્કામાં બોર્ડિંગ પાસને સ્કેન કરવાનો રહેશે. તે પછી પોતાના ક્રેડેન્શિયલ્સને એરપોર્ટ સાથે શેર કરવાનો રહેશે.
બોર્ડિંગની પ્રક્રિયા ઝડપી બનશે
નોંધનીય છે કે ડિજિયાત્રા ચહેરાની ઓળખની ટેકનોલોજી પર આધારિત છે અને તે બોર્ડિંગની પ્રક્રિયાને ઝડપી અને અડચણરહિત બનાવશે.
આ ઉપરાંત ડિજિયાત્રા એરપોર્ટ પર વધારાની સુરક્ષા પણ સુનિશ્ચિત કરશે. પ્રવાસી ડેટા એરલાઇન્સ ડિપાર્ચર કન્ટ્રોલ સિસ્ટમની સાથે એટેચ હશે તેથી ફક્ત નિર્દિષ્ટ પ્રવાસીઓ જ એરપોર્ટ પર પ્રવેશ કરી શકશે.
ડિજિયાત્રાના સંચાલન માટે ડિજિયાત્રા ફાઉન્ડેશનને નોડલ એજન્સી બનાવવામાં આવી છે. આ એક નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. ફાઉન્ડેશનના શેરધારકો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ, બેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ, દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ, હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ, અને મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter