નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોર્પોરેશનની ચૂંટણીની મત ગણતરી પૂરી થઈ થયા બાદ ભાજપ રંગમાં હતું અને આમ આદમી પાર્ટી (આપ)નું ભારે ધોવાણ થયું હતું. દિલ્હી નગર નિગમની કુલ ૨૭૦ બેઠકોમાંથી ભાજપે ૧૮૦ બેઠકો ઉપર ભારે જીત મેળવી હતી.
કોંગ્રેસને ૩૫ અને આપની ૪૫ બેઠકો પર જીત થઈ છે. આમ દિલ્હી નગર નિગમમાં ભાજપે સત્તા જાળવી રાખી છે. ૩૦મીએ અહીં મતદાન યોજાયું હતું. એક્ઝિટ પોલ્સના તારણને સાચા ઠેરવતા ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી અને આપનો સફાયો થયો હતો તો કોંગ્રેસ માટે કંઈ મળ્યું પણ નહીં અને કંઈ ગુમાવ્યું પણ નહીં જેવો ઘાટ સર્જાયો છે.
દિલ્હી નગર નિગમની ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ જણાવ્યું કે, દિલ્હીની જનતાએ કેજરીવાલની નકારાત્મક રાજનીતિને જાકારો આપ્યો છે.