નવી દિલ્હી: ત્રણ એક્ઝિટ પોલ્સે આમ આદમી પાર્ટી (‘આપ’)ને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળવાની આગાહી કરી છે. સોમવારે જાહેર થયેલા આ પોલ્સ સાચા પડશે તો દિલ્હી એમસીડીમાં ભાજપના 15 વર્ષના શાસનનો અંત આવશે.
એમસીડી ચૂંટણીનું પરિણામે બુધવારે જાહેર થવાનું છે. રવિવારે દિલ્હી એમસીડીના 250 વોર્ડ માટે મતદાન થયું હતું. આજ તક–એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ્સ અનુસાર ‘આપ’ને 149-117 મ્યુનિસિપલ વોર્ડ્સમાં જીત મળશે. જ્યારે ભાજપની 69-91 વોર્ડ્સમાં જીત થશે. કોંગ્રેસને 3-7 વોર્ડ્સ અને અન્યને 5-9 વોર્ડ્સમાં સફળતા મળવાની આગાહી કરવામાં આવી છે. ટાઇમ્સ નાવ–ઇટીજી સરવેમાં ‘આપ’ને 146-156 વોર્ડ્સમાં, ભાજપને 84-94 વોર્ડ્સમાં અને કોંગ્રેસને 6-10 વોર્ડ્સમાં જીત મળવાનો અંદાજ છે. ન્યૂઝ એક્સના એક્ઝિટ પોલમાં ‘આપ’ને 150-157 વોર્ડ, ભાજપને 70-92 વોર્ડ અને કોંગ્રેસને 4-7 મ્યુનિ. વોર્ડમાં જીત મળવાની આગાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી એમસીડીમાં 2007થી ભાજપનું શાસન છે. 2017માં તેણે દિલ્હી એમસીડીના 270માંથી 181 વોર્ડમાં સફળતા મેળવી હતી. ‘આપ’ અને ભાજપ બંનેએ તમામ 250 વોર્ડમાં ઉમેદવાર ઊભા રાખ્યા હતા. જ્યારે કોંગ્રેસે 247 વોર્ડમાં ટક્કર આપી હતી. દિલ્હી એમસીડીની ચૂંટણીમાં 382 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં હતા. અન્ય રાજકીય પક્ષોમાં બીએસપીએ 132 વોર્ડ, એનસીપીએ 26 વોર્ડ, જનતા દળે 22 વોર્ડ અને એઆઇએમઆઇએમે 15 વોર્ડમાં ઉમેદવાર ઊભા રાખ્યા હતા.


