નવી દિલ્હીઃ દિલ્હી હિંસા કેસમાં જવાહરલાલ નહેરુ (જેએનયુ)ના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની દિલ્હી પોલીસની વિશેષ શાખાએ રવિવારે રાતે ધરપકડ કરાઈ છે. ઉમર ખાલિદને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો. વિશેષ શાખાના કાર્યાલયમાં રવિવારે રાતે ૧૧ વાગ્યાથી ૧ વાગ્યા સુધી ચાલેલી પૂછપરછને અંતે ઉમર ખાલિદની ધરપકડ કરી લેવામાં આવી હતી. ઉમર ખાલિદ પર દિલ્હી પોલીસે ૬ માર્ચ ૨૦૨૦ના રોજ એક એફઆઇઆર દાખલ કરી હતી. એફઆઇઆર પ્રમાણે તેના પર લોકોને ભેગા કરીને રમખાણો માટે ઉશ્કેરવા, પૂર્વ આયોજિત કાવતરાં ઘડવા, ઉશ્કેરણીજનક ભાષણ આપવા જેવા આક્ષેપ છે. તેના પર આક્ષેપ છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દિલ્હી મુલાકાત વખતે લોકોને રસ્તાઓ પર દેખાવો કરવા પણ તેણે ઉશ્કેર્યા હતા. દિલ્હી હિંસા કેસમાં જેમની ધરપકડ થઇ હતી તે પિંજરા તોડ જૂથની ત્રણ વિદ્યાર્થિનીઓએ ઉમર ખાલિદનું નામ આપ્યું હતું.
સરકાર વાણી સ્વાતંત્ર્યને દબાવે છે
સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એમ. બી. લોકુરે સોમવારે જણાવ્યું હતું કે, સરકાર લોકોના મંતવ્યો પ્રતિની પ્રતિક્રિયાના ભાગરૂપે દેશદ્રોહના કાયદાનો ઉપયોગ વાણી સ્વતંત્રતાને કચડવા કરી રહી છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ જણાવ્યું હતું કે, ઉમર ખાલિદ મુસ્લિમ હોવાથી તેની ધરપકડ થઈ છે. તેમણે કહ્યું કે કપિલ મિશ્રા અને કોમલ શર્મા બહાર ફરી રહ્યાં છે તો ઉમર અને સફુરા જેલમાં છે.