દિલ્હી હિંસાઃ વડા પ્રધાન, ગૃહ પ્રધાનના રાજીનામાની માગ

Wednesday 04th March 2020 05:33 EST
 
 

નવી દિલ્હીઃ નોર્થ – ઈસ્ટ દિલ્હીમાં નાગરિક્તા કાયદાના વિરોધમાં થયેલા દેખાવો અને હિંસામાં મૃતકાંક ૪૭ પર પહોંચ્યો હતો. જોકે દિલ્હી પોલીસે પરિસ્થતિ કાબૂમાં હોવાનું બીજી માર્ચે જણાવ્યું હતું અને હિંસા મુદ્દે સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટે સંમતિ પણ દર્શાવી હતી. દેખાવોમાં વીડિયોમાં દિલ્હીના જાફરાબાદમાં હેડ કોન્સ્ટેબલ દીપક દહિયા સામે રિવોલ્વર તાકતા યુવક શાહરૂખની પણ પોલીસે ધરપકડ કરી છે.
સુપ્રીમે સુનાવણી અંગે જણાવ્યું કે, ભડકાઉ અને ઉશ્કેરણીજનક નિવેદનો આપનારા, આ પ્રકારના વીડિયો બનાવનારા નેતાઓ અને અન્ય એમ તમામ વિરુદ્ધ પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી. તે મુદ્દે કોર્ટમાં સુનાવણી થશે. દિલ્હી હાઈ કોર્ટમાં પણ દિલ્હી હિંસાના એક કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. હાઈ કોર્ટે પોલીસને પૂછ્યું હતું કે, પીડિતોના પુનર્વસન માટે કેવી તૈયારી ચાલે છે? આ તૈયારી શરૂ થઈ હોય તેનો અહેવાલ આપવા હાઈ કોર્ટે આદેશ આપ્યો હતો.
એટલું જ નહીં, ઈજાગ્રસ્તોની સારવારની વ્યવસ્થાનો પણ અહેવાલ આપવાનો રહેશે. આ બધા વચ્ચે દિલ્હીમાં સીબીએસઈની પરીક્ષા શરૂ થઈ હતી. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરીક્ષા યોજાઈ હતી, જેમાં ૯૨ ટકા જેટલાં વિક્રમજનક વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ થઈ હતી.

સંસદમાં ઉહાપોહ

સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં સોમવારે દિલ્હી તોફાનોના મુદ્દે બંને ગૃહોમાં ઉગ્ર નારાબાજી કરી હતી અને હિંસા માટે વડા પ્રધાન મોદી તથા ગૃહ પ્રધાન અમિત શાહને જવાબદાર ઠેરવી તેમનાં રાજીનામાની માગ કરાઈ હતી. સાંસદો બંનેનાં રાજીનામા માગતા પોસ્ટરો લઈને આવ્યા હતા અને સાંસદોએ સ્પીકર ઓમ બિરલાની વાત સાંભળવાનો પણ ઇનકાર કરી દીધો હતો. લોકસભાની સાથે સાથે રાજ્યસભામાં પણ કોંગ્રેસ લેફ્ટ, ટીએમસી, સપા, બસપા અને ડીએમકે સાંસદોએ હિંસાના મુદ્દે નારાબાજી કરી હતી.

પોલેન્ડના વિદ્યાર્થીને દેશ છોડવા ફરમાન

કોલકાતામાં સીએએના વિરોધમાં આયોજિત દેખાવો વખતે ભાગ લેવા બદલ જાદવપુર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા પોલેન્ડના વિદ્યાર્થી કામિલ સિડસીનસ્કીને પ્રાદેશિક વિદેશી નોંધણી કાર્યાલય તરફથી દેશ છોડવા ફરમાવાયું છે. આ ઉપરાંત વિશ્વભારતી યુનિ.માં અભ્યાસ કરતી બાંગ્લાદેશની વિદ્યાર્થિનીને પણ કાર્યાલયે આવા કારણોસર જ દેશ છોડવા ફરમાન કર્યા હતાં.

મેઘાલય સળગ્યું: બેનાં મોત

ઉલ્લેખનીય છે કે સીએએ અને એનઆરસી મુદ્દે હિંસક વિરોધની આગ ઉત્તર પૂર્વ ભારત પણ પહોંચી છે. બાંગ્લાદેશ સરહદ નજીકના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના ઈચમાતીમાં ૨૯મીએ સીએએ, ઈનર લાઈન પરમિટ (આઈએલપી) મુદ્દે ખાસી સ્ટુડન્ટ્સ યુનિયન (કેએસયુ) અને બિન આદિવાસીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.
સીએએ વિરોધી અને આઈએલપી સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બેનાં મોત અને અનેક ઘાયલ થયા હતા. સ્થાનિકો બહારના લોકોને નિશાન બનાવી રહ્યા હોવાના પણ અહેવાલ છે. પોલીસે આઠ લોકોની ધરપકડ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter