દિલ્હીની નુપૂર કૌલે એકલપંડે ખેડ્યો ઈરાન-યુરોપ-જોર્ડનનો પ્રવાસ

Wednesday 14th March 2018 07:32 EDT
 
 

નવી દિલ્હીઃ ૩૧ વર્ષની નુપૂર કૌલને બાળપણથી જ પ્રવાસનો શોખ છે. તેથી તે બાઈક શીખી છે. નુપૂરના એકલપંડે ખેડેલા પ્રવાસમાં રૂઢિચુસ્ત ઇરાન દેશ પણ સામેલ છે. કમ્યુનિકેશન પ્રોફેશનલ નુપૂરનું કહેવું છે કે તેને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા શહેરોની મુલાકાત લેવી ગમે છે અને પ્રવાસથી તેનો આત્મવિશ્વાસ વધ્યો છે. યુરોપ, જોર્ડન અને ઇરાનનો પ્રવાસ ખેડી ચૂકેલી નુપૂર કહે છે, ઈરાન વિશે મેં ખૂબ વાંચ્યું હતું અને રિસર્ચ પણ કર્યું હતું. ત્યાંની સંસ્કૃતિ અને ત્યાંના લોકોને સમજવા માટે મેં ત્યાં ૨૨ દિવસ વીતાવ્યા હતા. હું ઇરાન પહોંચી તે પહેલાં મારા મનમાં તે દેશને લઇને થોડો ડર હતો, પણ ત્યાંના લોકોએ મને જે રીતે પ્રેમ આપ્યો તેને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે. કોઇ દેશમાં એકલા મુસાફરી કરવાથી તમે નવા પડકારો ઝીલવા સમર્થ બનો છો. હું ઇરાન જઇ રહી હતી ત્યારે ઘણા લોકોએ મને કહેલું કે એકલા જવું હોય તો ઓસ્ટ્રેલિયા કે બ્રિટન જા, પણ હું ઇરાન જવા મક્કમ હતી.

દુનિયાભરમાં લોકો એકસરખા

નુપૂર કહે છે કે, મુસાફરીએ મને શીખવ્યું કે દુનિયાભરનાં લોકો એકસરખાં જ હોય છે. બસ તેમને પ્રેમ અને પોતીકાપણાની જરૂર હોય છે. બધાની સમસ્યાઓ એકસરખી જ હોય છે. તેથી કોઇ પણ વ્યક્તિ કે દેશની સંસ્કૃતિ માટે કોઇ અભિપ્રાય ન બાંધી લેવો. ઇરાન પહેલા હું જોર્ડન અને યુરોપ પણ એકલી ફરી ચૂકી હતી, પણ ઈરાનની ટ્રિપથી ઘણું શીખવા મળ્યું.

બાઈક પર નીકળું તો લોકોને નવાઈ

નુપૂર કહે છે કે, દિલ્હીની ગલીઓમાં પણ બાઈક લઈને નીકળું તો લોકોને નવાઈ લાગે છે. આજેય દેશમાં લોકોને સમજાવવા પડે છે કે તમારી દીકરીઓને સ્કૂલે મોકલો તો આવા સમાજમાં મને બાઈક ચલાવતી જોઇને લોકો દંગ રહી જાય તે સ્વાભાવિક છે. મારું માનવું છે કે જિંદગીના દરેક પડકારને સ્વીકારો અને પૂર્ણ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter